આમોદ,
આમોદ પાલીકાના સત્તાધીશોએ ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટ સરકારની ગાઈડલાઈન બહાર અન્ય કામોમાં વાપરી નાખતાં વીજીલન્સ કચેરીમાં ફરીયાદ કરવામાં આવતા આમોદ પાલિકાના મુખ્ય અઘિકારીએ પાલિકાના ૪ કોંગ્રેસી પૂર્વ પ્રમુખ, ૭ ચીફ ઓફિસર સહિત ૪૫ થી વધુ લોકોને નોટીસ ફટકારી ૭ દિવસમાં ખુલાસો આપવા જણાવ્યા હતું.જેથી આમોદ નગર પાલિકાના રાજકારણમાં નોટીસને મુદ્દે ગરમાવો આવી ગયો હતો.
આમોદ નગરપાલિકામાં ૨૦૧૫ થી ૨૦૨૦ ના પાંચ વર્ષના સમયગાળામાં ૧૪ મા નાણા પંચની ગ્રાંટ માંથી પાલિકા શાસકોએ સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતાં આમોદ પાલીકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અઘ્યક્ષ બીજલ ભરવાડે વીજીલન્સમાં ફરીયાદ કરી હતી.જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાના ૪ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, ૭ પૂર્વ મુખ્ય અધિકારી,તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો,કર્મચારીઓ સહિત ૪૫ થી વધુ લોકોને નોટિસ ફટકારી હતી.
નોટીસમાં જણાવ્યા મુજબ નાણા પંચની ગ્રાંટ માંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસકામો કરવાના બદલે ગ્રાંટને અન્ય કામોમાં વાપરી નાંખી હતી અને આમોદ નગરનો વિકાસ કહેવાતા જન પ્રતીનિધી સહિત અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગતથી અટકી ગયો હતો.આ ઉપરાંત સ્વભંડોળ માંથી લાઈટ બિલ,પગાર, ડીઝલ ખર્ચના નાણાં ખર્ચ કરવાને બદલે ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા પાલિકાના શાસકો અને કર્મચારીઓએ મોટો ગેરવહીવટ કર્યો હતો.જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે.૨૦૧૫ થી ૨૦૨૦ના સમયગાળા દરમિયાન પાલિકાને ૧૪ માં નાણા પંચની અંદાજીત ૬.૧૬ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી હતી.જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ અને કર્મચારીઓએ આ ગ્રાંટને આડેધડ વાપરી નાંખી ગેરવહીવટ કર્યો હતો.વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ દરમ્યાન પાલિકાના પ્રમુખો, મુખ્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત ૪૫ થી વધુ લોકોને સાગમટે નોટિસ આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.
– ૧૪ માં નાણાંપંચની ૫.૩૭ કરોડની રકમ સરકારની ગાઈડલાઈનનો ભંગ કરીને અન્ય કામોમાં વાપરી નાંખતા કાર્યવાહી
સરકારે આમોદ નગરપાલિકાને ૧૪ મા નાણાં પંચમાંથી ૬.૧૬ કરોડની ગ્રાંટ ફાળવી હતી.જેમાં રોડ,રસ્તા,ડ્રેનેજ સહિતના કામો કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.પરંતુ આમોદ પાલિકાના અધિકારીઓ,પદાધિકારીઓએ અને કર્મચારીઓની મીલીભગતથી ગ્રાન્ટની રકમ ૫.૩૭ કરોડ રૂપિયા કર્મચારીઓનો પગાર કરવામાં,વાહન રીપેરીંગમાં,પાલિકાના વાહનોમાં ઇંધણ પુરાવવામાં અને લાઈટ બિલની ચૂકવણી સહિતનાં કામોમાં વાપરી નાંખી હોવાનું વીજીલન્સની તપાસમાં બહાર આવ્યું હતું અને માત્ર ૭૮.૬૯ લાખ રકમ સરકારની ગાઈડલાઈન મુજબ વાપરી હતી.
– વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીની સ્વભંડોળની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ
આમોદ નગરપાલિકાના કોંગ્રેસના તત્કાલીન શાસકોએ સ્વભંડોળની રકમ માથી પગાર, ડીઝલ ખર્ચ,વીજળી બીલ જેવા ખર્ચા કરવાના હોય છે.પરંતુ પાલીકાના શાસકોએ ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટનો દુરુપયોગ કરી ૫.૩૭ કરોડ વાપરી નાખ્યાં હતાં.ત્યારે આમોદ પાલિકાના શાસકોએ સ્વભંડોળની રકમથી તાગડધિન્ના કર્યા હોય તેવું આમોદ નગરમાં ચર્ચાઈ રહ્યું છે.જેથી આમોદ પાલિકાના વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીના સ્વભંડોળની રકમની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તેવી આમોદ નગરનાં ચર્ચાઓ જાગી છે.આ બાબતે આમોદ પાલિકામાં ફરજ બજાવી ચૂકેલા સાત મુખ્ય અધિકારીઓ ચિરાગ ડોડીયા,ડી.સી.પટેલ, પી.એસ.પરીખ,રાહુલ ઢોડીયા,મનહર રાણા,ઉપેન્દ્ર ગઢવી અને દિગ્વિજય પ્રજાપતિને પણ આમોદ પાલિકામાં મુખ્ય અઘિકારી પંકજ નાયક દ્વારા નોટીસ આપવામાં આવી હતી.જ્યારે આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખો સમીમ મકસુદ પટેલ,સલીમ.આઈ.રાણા, સાજીદઅલી ઈકબાલઅલી રાણા,સુશીલાબેન મહેશભાઈ પટેલને નોટિસ આપવામાં આવી હતી.તેમજ પૂર્વ કારોબારી અધ્યક્ષો મુસ્તાક અહેમદ રંગુની, શકીલ ઈબ્રાહિમ કાપડિયા અને ફિરોજાબેન મોહસીન શેઠને નોટીસ આપવામાં આવી હતી.
– મુખ્ય અધિકારીએ પાલિકાના તત્કાલીન સત્તાધીશોને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો
સત્તાધીશોએ સરકારનાં નાણાંકીય ઓચિંત્ય નિયમોનો ભંગ કરતાં આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ ૪૫ થી વધુ લોકોને નોટીસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે.
આ બાબતે આમોદ પાલિકામાં મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટ માંથી સરકારની ગાઈડલાઈન બહાર જે ચીફ ઓફિસર, પદાધિકારીઓ અને કર્મચારીઓએ ખર્ચ કરેલ છે તેમને નોટીસ આપી સાત દિવસમાં ખુલાશો આપવા જણાવ્યું છે.આ બાબતે અરજદાર જાગૃત સદસ્ય અને પુર્વ કારોબારી અઘ્યક્ષ બીજલ ભરવાડે જણાવ્યુ હતુ કે આમોદ પાલિકાની પૂર્વ પ્રમુખો, પુર્વ ઉપપ્રમુખો,કારોબારી અધ્યક્ષો, તત્કાલીન સદસ્યો તેમજ મુખ્ય અધિકારીઓએ સરકારી ગાઈડ લાઇન બહાર ખર્ચ કરીને આમોદ નગરને વિકાસથી વંચિત કરી દીધું હતું. જેથી સરકારને મારી ફરિયાદ છે કે આવા ગેરવહીવટ કરતાં શાસકો પાસેથી વહેલી તકે રિકવરી કરવામાં આવે અને નાણાંકીય ઓચિંત્યના નિયમનો ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is