– દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાની વસમી વિદાય : તરવૈયા, એમ્બ્યુલન્સ,પોલીસની વ્યવસ્થા
ભરૂચ,
ભરૂચ શહેર – જિલ્લામાં ભક્તજનોએ રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશજીને દસ દિવસના પૂજન અર્ચન અને આરાધના બાદ ભારે હદયે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલદી આના ના નારા ઓ સાથે વિદાય આપી હતી.
ભરૂચ નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રણ કૃત્રિમ જળકુંડમાં ચુંનદા તરવૈયાના સથવારે સુચારુ રૂપે વિસર્જન હાથ ધરાયું હતું.ગણેશ ચતુર્થીના પાવન દિને પ્રથમ પૂજનીય ગણેશજીનું સ્થાપન કરી દસ દિવસ સુધી ગણેશ ભક્તિમાં લીન થઈ અનંત ચતુર્થીના દિવસે શ્રધ્ધાભર્યા માહોલમાં આવતા વર્ષે પુનઃ પધારવાના વચન સાથે રડતા હૈયે ભક્તોએ વિદાય આપી હતી.
નગરપાલિકા દ્વારા ભરૂચના મકતમપુર, જે.બી.મોદી પાર્ક તેમજ ગાયત્રી મંદિર પાસે ત્રણ કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા.ત્યાં ગણેશ ભક્તો વિસર્જન માટે ઉમટી રહ્યા હતા. કૃત્રિમ જળ કુંડ ખાતે તંત્ર દ્વારા વિસર્જનની પ્રક્રિયા દરમ્યાન ભક્તજનોને અગવડ ના પડે તેમજ કોઈ હોનારત ન સર્જાય તે માટે તરવૈયાઓ,પોલીસ બંદોબસ્ત સાથે ફાયર વિભાગની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તહેનાત કરી દેવામાં આવી હતી.
કુત્રિમ કુંડ ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ , ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત અન્ય સભ્યો અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ ભક્તો કુત્રિમ જળકુંડ ખાતે ગણેશ પ્રતિમાઓના વિસર્જન કરવા અપીલ કરી વિસર્જન બાદની તંત્રની કામગીરી પણ વર્ણવી હતી.તંત્રની કૃત્રિમ જળકુંડમાં ગણેશ વિસર્જનની અપીલને ગણેશ ભક્તોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો હતો.




