– પ્રકાશ દેસાઈ બિન હરીફ થયા બાદ ૧૪ બેઠક માટે ૧૯ મી સપ્ટેમ્બરે ચૂંટણી
– વરસાદી માહોલ કાયદો વ્યસ્થા જાળવવા અને ભરૂચ અને રાજપીપળા મળી બે સેન્ટર પર યોજાશે ચૂંટણી
ભરૂચ,
ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલ ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થયા બાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિને પણ ભાજપના ઘનશ્યામ પટેલ અને અરૂણસિંહ રણા બંને અગ્રણીઓની પેનલ વચ્ચેનો જંગ નિશ્ચિત થયો છે.તો પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જીતના વિશ્વાસ વ્યક્ત કરવા સાથે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલને સમર્થન હોવાનું પણ કહ્યું હતું.
ભરૂચ જિલ્લાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા એવી દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટને અવગણીને ભાજપના જ બે અગ્રણીઓ એવા ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ આમને સામને ચૂંટણી જંગમાં છે.જોકે ચૂંટણી પહેલા જ અરુણસિંહ રણાની પેનલના ઉમલ્લા બેઠકના પ્રકાશ દેસાઈની સામેના દીપક પાદરીયાએ પોતાનું ફોર્મ ખેંચી લેતા તેઓ બિન હરીફ વિજેતા થયા છે.જેથી હવે ૧૪ બેઠક માટે ૩૦ ઉમેદવારો વચ્ચે ૧૯ મી સપ્ટેમ્બરે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને વરસાદી માહોલમાં મતદારોને અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા ભરૂચ અને નર્મદા બંને જીલ્લાના અલગ અલગ સેન્ટર પર ચૂંટણી યોજાનાર છે. જેમાં ૨૯૬ મતદારો મતદાન કરશે.જેનું ૨૦ મી સપ્ટેમ્બર ના રોજ રિઝલ્ટ આવતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.સહકારી આગેવાન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પોતાની પેનલ ભાજપ સમર્થિત હોવાનું કહી પેનલનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.સાથે ઉમેદવારો જીતીને હાઈકમાન્ડને મળવાની પણ આશા વ્યક્ત કરી હતી.
તો બીજી તરફ ભાજપની બે પેનલની સાથે પૂર્વ વાઈસ ચેરમેન અને બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ તેઓના બે ઉમેદવારો સાથે ચૂંટણી જંગમાં છે તેઓ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની સાથે હોવાનું કહી ભાજપ હવે મેન્ડેટને અવગણવા બદલ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તેવો પ્રશ્ન પણ કરી રહ્યા છે.
તો વર્ષોથી દૂધધારા ડેરીમાં ચેરમને તરીકે રહેનાર ઘનશ્યામ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાર્ટીએ આપેલા મેન્ડેટનું પાલન કર્યું છે અને તે જ પ્રમાણેના ઉમેદવારો ઊભા રાખ્યા છે.સામેની પાર્ટીએ પેનલ બનાવી છે તે અલગ અલગ નામે બનાવી છે તે પ્રદેશનો વિષય છે અને મતદારો પર મને વિશ્વાસ છે જંગી બહુમતથી જીતાડશે.
અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દૂધધારાની ચૂંટણીમાં કુલ ૧૫ બેઠકમાં ઘનશ્યામ પટેલની પેનલના ૧૨ અને અરૂણસિંહ રણાની પેનલના ૩ ઉમેદવારોને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મેન્ડેટ આપ્યા હતા.પરંતુ ભાજપના મેન્ડેટ બાદ પણ ભાજપના બંને અગ્રણીઓની પેનલો વચ્ચે જંગ ફોર્મ ખેંચવાના અંતિમ દિન બાદ પણ યથાવત રહ્યો હતો.ત્યારે રસાકસી ભરેલ ચૂંટણીમાં કોનું પલ્લુ ભારે રહે છે તે જોવું રહ્યું.




