ભરૂચ કલેક્ટરના જાહેરનામાનુ ટૂંક સમયમાં જ સુરસુરિયું : ઢાઢર નદીના બ્રીજ ઉપરની એંગલો ભારદારી વાહનોએ તોડી પાડી

SHARE:

આમોદ,

આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીનો બ્રીજ અંત્યંત જર્જરીત બનતા ભરૂચ જીલ્લા અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડી ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને ઢાઢર નદીના બંને છેડે ચોવીસ કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.છતાં રાત્રીના સમયે ભારદારી વાહનોની અવરજવર ચાલુ રહેતા ઢાઢર નદીના બંને છેડા ઉપર ૦.૩ મીટરથી ઊંચા ભારદારી વાહનો પસાર થાય નહીં તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એંગલો મારી દેવામાં આવી હતી.ત્યારે કેટલાક અસામાજીક તત્ત્વો દ્વારા જીલ્લા કલેક્ટરના હુકમને એસી કી તેસી સમજી બેરોકટોક ભારદારી વાહનો પસાર કરી રહ્યા હતા. અઠવાડિયા પહેલા જ એક લાકડા ભરેલા ટેમ્પોએ એક બાજુની એંગલ તોડી પાડી હતી.જ્યારે આજરોજ બીજી બાજુની એંગલ  પણ તોડી પાડતા ભરૂચ જીલ્લા અધિક કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા જાણે પોલીસ તંત્ર સુરસુરિયું કરતા હોય તેમ લાગી રહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ – જંબુસરને જોડતો ઢાઢર નદીનો બ્રીજ એટલી હદે ખરાબ છે કે બ્રીજ ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે.અને વચ્ચેથી તો જાણે બ્રીજના બે ભાગ પડી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આ ભયાનક સ્થિતિ છતાં જીલ્લા કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે.જેને કારણે તંત્રની નિષ્ક્રિયતા ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે.કાયદાનો ભંગ કરનારા તત્વો એટલી હદે બેફામ બન્યા છે કે જીલ્લા વહીવટી તંત્રએ ભારદારી વાહનોની પ્રવેશબંધી લગાવેલા લોખંડના એંગલ પણ રાત્રિના અંધારામાં તોડી પાડવામાં આવ્યા છે.હાલ તો પોલીસ તંત્રની  મહેરબાનીથી રાત્રીના સમયે ભારદારી વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા છે.પ્રજાના જીવને જોખમમાં મૂકીને ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક પૂર્ણવિરામ મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.જો આ બ્રીજ તૂટી પડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે?તેવું સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યુ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!