best news portal development company in india

ભારતના પૂર્વ ક્રિકેટરનું 84 વર્ષની વયે નિધન: 605 વિકેટ લેવાનો બનાવ્યો હતો રેકૉર્ડ

SHARE:

મુંબઈના મહાન સ્પિનર પદ્માકર શિવલકરનું ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે સોમવારે નિધન થઈ ગયું. તેઓ 84 વર્ષના હતાં. ભારત માટે ક્યારેય રમી ન શકનાર સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ શિવાલકરે 1961-62થી 1987-88 ની વચ્ચે કુલ 124 પ્રથમ શ્રેણી મેચમાં ભાગ લીધો અને 19.69 ની સરેરાશથી 589 વિકેટ લીધી. આ સિવાય લિસ્ટ એ ક્રિકેટમાં તેમને 16 વિકેટ મળી. આ રીતે 600થી વધુ વિકેટ લીધા છતાં તેમને ભારતીય ટીમમાં સ્થાન મળી શક્યું નહીં.

ડાબા હાથના સ્પિનરે 22 વર્ષની ઉંમરમાં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું અને 48 વર્ષની ઉંમર સુધી રમવાનું ચાલુ રાખ્યું. તેમણે ભારતની મુખ્ય ઘરેલુ સ્પર્ધામાં 589 વિકેટ લીધી, જેમાં 13 વખત મેચમાં 10 વિકેટ લેવાનું સામેલ છે. શિવાલકરે 12 લિસ્ટ એ મેચોમાં 16 વિકેટ લીધી છે. તેમને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા 2017માં સીકે નાયડુ લાઈફટાઈમ અચિવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુંબઈ ક્રિકેટ સંઘ (એમસીએ)ના અધ્યક્ષ અજિંક્ય નાઈકે કહ્યું, ‘મુંબઈ ક્રિકેટે આજે એક સાચા દિગ્ગજને ગુમાવ્યા છે. પદ્માકર શિવાલકર સરનું રમતમાં યોગદાન, ખાસ કરીને અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક તરીકે હંમેશા યાદ કરવામાં આવશે.’

મહાન સુનીલ ગાવસ્કરે સોમવારે મુંબઈ અને ઘરેલૂ ક્રિકેટના દિગ્ગજ પદ્માકર શિવાલકરને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે ‘અમુક અન્યની તુલનામાં તેઓ ભારતીય ટીમમાં રમવાના વધુ હકદાર હતાં. શિવાલકર દેશના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક હતાં, જેમને ક્યારેય રાષ્ટ્રીય ટીમ માટે રમવાની તક મળી નહીં. ગાવસ્કરે શિવાલકરના નિધન પર એક ભાવુક મેસેજ લખ્યો અને કહ્યું, આ ખરેખર ખૂબ દુ:ખદ સમાચાર છે. થોડા જ સમયમાં મુંબઈ ક્રિકેટે પોતાના બે દિગ્ગજ ખેલાડીઓ મિલિંદ અને પદ્માકરને ગુમાવી દીધા છે. આ બંને ઘણા જીતના સૂત્રધાર હતાં.’

તેમણે કહ્યું, ‘ભારતીય કેપ્ટન તરીકે મને એ વાતનો અફસોસ છે કે હું રાષ્ટ્રીય પસંદગીકર્તાઓને ‘પેડી’ ને ટેસ્ટ ટીમમાં સામેલ કરવા માટે સંમત કરી શક્યો નહીં. તે અમુક અન્ય બોલર્સની તુલનામાં ભારતીય ટીમમાં સામેલ થવાના વધુ હકદાર હતાં. તમે આને નસીબ કહી શકો છો. તેઓ એવા બોલર હતાં જે સામેની ટીમના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને આઉટ કરીને મુંબઈ માટે જીત નક્કી કરતા હતા. તે પોતાના રન અપ અને સુંદર એક્શનની સાથે આખો દિવસ બોલિંગ કરી શકતાં હતાં. ‘પેડી’ એક અનોખા વ્યક્તિ હતાં અને તેમના નિધનથી હું ખૂબ દુ:ખી છું. ઓમ શાંતિ”

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!