– આશા વર્કરોને અન્ય કામ વધારે પ્રમાણમાં કરવા પડતા હોવા ઉપરાંત ટેકોની કામગીરી વિના વેતને કરવી પડતી હોવા બાબતે વિરોધ વ્યક્ત કરાયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની આશા વર્કર બહેનોએ ઝઘડિયા તાલુકા આરોગ્ય અધિકારીને આવેદન આપીને વધારાની ટેકોની કરવી પડતી કામગીરી બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઝઘડિયા તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં આશા વર્કર તરીકે કામ કરતી બહેનોએ ઝઘડિયા ખાતે ભેગા થઇને આપેલ આવેદનમાં જણાવ્યું હતું કે આશા વર્કરોએ બીજી ઘણી કામગીરી કરવાની હોય છે અને સાથેસાથે હાલમાં તેમને ટેકોની કામગીરી પણ સોંપવામાં આવે છે.આ કામગીરીમાં તેમને ઘણી તકલીફો પડતી હોવાનું આવેદનમાં જણાવ્યું હતું.મોબાઈલમાં નેટવર્કની સમસ્યા,એક જીબી નેટ જલ્દીથી પુરૂ થઈ જવું, મોબાઈલ ફોન જુના છે, મોબાઈલની બેટરી જલ્દી ઉતરી જાય છે,જેવી સમસ્યાઓ પેદા થતી હોઈ આશા વર્કરોએ તકલીફ ભોગવવી પડે છે.
આશા વર્કરોએ બીજા અન્ય કામો કરવાના હોય છે અને તેની સાથે ટેકોની કામગીરી સોંપવામાં આવે છે.જેમાં વેતન મળતું નથી,તેથી ટેકોની કામગીરી બંધ કરવામાં આવે તેમ આવેદનમાં જણાવ્યું હતું. ઉપરથી દબાણ કરવામાં આવે છે કે તમારે આ કામ કરવું જ પડશે એવા આક્ષેપ સાથે આશા વર્કરોએ ટેકોની કામગીરીનો વિરોધ કર્યો હતો.આશા વર્કરોએ આવેદનમાં જણાવ્યું હતું કે તેમને માત્ર બે હજાર રૂપિયા વેતન મળે છે જે મુજબ એક કલાકના બે રૂપિયા મળતા હોય છે,ત્યારે એક કલાકના બે રૂપિયામાં કેવી રીતે કામ કરી શકીએ,એમ જણાવીને આવેદનમાં વધારાની કામગીરીનું પણ વેતન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.




