– ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભરતસિંહ પરમારે સંબોધન કર્યું
– ડૉ.બાબાસાહેબ આંબેડકર અને ભરૂચનું ગૌરવ કનૈયાલાલ મુન્શીના યોગદાનને યાદ કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર
– 1975 ની કટોકટી અને ડૉ.આંબેડકરને ચૂંટણીમાં હરાવવાના મુદ્દે ભાજપે કોંગ્રેસની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા
ભરૂચ,
આગામી 26 નવેમ્બરના રોજ ઉજવાનારા સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત શનિવારે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરતસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પરેશ લાડ, મહામંત્રી પરેશ પટેલ, SC મોરચા પ્રમુખ રાજીવ પરમાર, પૂર્વ પ્રદેશ મંત્રી રાજેન્દ્ર સુતરિયા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિનેશ રોહિત સહિત પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી 26 નવેમ્બરના રોજ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ,એક ભવ્ય રેલી નીકળી રેલવે સ્ટેશન સુધી પહોંચશે, જ્યાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સંવિધાનના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવનાર ડૉ. આંબેડકર તેમજ ભરૂચનું ગૌરવ અને બંધારણની કોર કમિટીના સભ્ય કનૈયાલાલ માણેકલાલ મુનશીના યોગદાનને ઉજાગર કરવા તેમજ યુવા પેઢીમાં બંધારણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે આશયથી આ આયોજન કરાયું છે.આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના હોદ્દેદારો સહિત શહેરની વિવિધ સંસ્થાઓ પણ જોડાશે.
પત્રકાર પરિષદમાં પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, અગાઉ ૧૯૭૯ થી ૨૬ નવેમ્બરને કાનૂન દિવસ તરીકે ઉજવાતો હતો, પરંતુ ૨૦૧૫માં ડૉ. આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. મોદી સરકારે બાબાસાહેબ સાથે જોડાયેલા પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવાની પહેલ કરી છે અને ડિજિટલ પેમેન્ટ એપને BHIM નામ આપી સન્માન આપ્યું છે.
આ સાથે જ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે, આજે બંધારણના રક્ષણની વાતો કરતી કોંગ્રેસે ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ કટોકટી લાદીને લોકશાહી અને નાગરિક સ્વતંત્રતાઓ સમાપ્ત કરી દીધી હતી.તેમજ બાબાસાહેબને લોકસભામાં પહોંચતા રોકવા ચૂંટણીમાં હરાવવાના પ્રયાસો કર્યા હતા.ભાજપ સરકારે સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે જનધન, ઉજ્જવલા, આયુષ્માન ભારત અને આવાસ યોજના દ્વારા વંચિત વર્ગોનું સશક્તિકરણ કર્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.



