– દેણવા તરફના એપ્રોચ રોડમાં ધોવાણને કારણે સર્જાયેલી માઈનર ક્રેકની વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કરાઈ
– સ્થાનિક પ્રજાજનો અને જનપ્રતિનિધિઓની રજૂઆતને પગલે દહેજ GIDC અને આમોદ તરફ અપ-ડાઉન કરતા ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનો માટે માર્ગ ખુલ્લો
– માટીના પાળાની સલામતી અને જાનહાનિ ટાળવાના હેતુસર ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ
ભરૂચ,
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના દેણવા-ડોલિયા રોડ (કિમી ૦/૦૦ થી ૧૮/૦૦) પર ઢાઢર નદીના દરિયા સાથેના સંગમના મુખપ્રદેશ વિસ્તારમાં ચેઈનેજ કિમી ૧૦/૫૦૦ થી ૧૧/૨૦૦ વચ્ચે નિર્માણ પામેલો ૭૨૦ મીટર લંબાઈ અને ૧૧ મીટર પહોળાઈ ધરાવતો દેણવા-ડોલિયા મેજર બ્રીજ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
વર્ષ ૨૦૧૭માં ઈજારદાર રાધે એસોસિએટ્સને વર્કઓર્ડર અપાયા બાદ આ બ્રીજની ભૌતિક કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.તકનીકી તપાસ મુજબ મુખ્ય બ્રીજમાં કોઈ જ પ્રકારનું સ્ટ્રક્ચરલ ડેમેજ જણાયું નથી અને પુલની સલામતી બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૩ દરમ્યાન વિશ્વામિત્રી નદીમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરના પાણીની અસરથી ઢાઢર નદીના પ્રવાહમાં વધારો અને દિશામાં ફેરફાર જોવા મળ્યો હતો.વર્ષ ૨૦૧૮માં ડોલિયા ગામ તરફના કિનારે વહેતી નદીનો પ્રવાહ વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ દરમમ્યાન ક્રમશઃ દેણવા ગામ તરફના કિનારા ભણી ફંટાયો હતો.આ ફેરફારને પરિણામે દેણવા ગામ તરફ નદીના પટની પહોળાઈ ૧૨૦ મીટરથી ૩૦ મીટર જેટલી વધીને ૧૫૦ મીટર થઈ છે,તેમજ દેણવા ગામ પાસે બ્રીજના એબટમેન્ટ-૧ નજીક ધોવાણ થવાથી એપ્રોચ રોડ (માટીના પાળા)ને નુકસાન પહોંચ્યું હતું.વધુમાં દરિયામાં દરરોજ આવતી ભરતી-ઓટને કારણે નદીના ગોર્જ પોર્શનમાં પાણીની ઊંચાઈમાં ૪ થી ૭ મીટર જેટલો તફાવત રહેતો હોય છે.
સતત ધોવાણને કારણે મુખ્ય બ્રીજ પર નહીં, પરંતુ દેણવા તરફ બ્રીજથી ૧૦ મીટર દૂર આવેલા એપ્રોચ રોડમાં સેટલમેન્ટ અને નોન-સ્ટ્રક્ચરલ માઈનર ક્રેક જોવા મળી હતી.જેની સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.દેણવા બાજુના કાંઠા વિસ્તારના માટીના પાળા (એપ્રોચ) પર ભારે વાહનોની અવરજવરથી પાળો બેસી જવાની કે વધુ નુકસાન થવાની શક્યતા હોવાથી,ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાનિ ન બને તે માટે તકેદારીના પગલાં લેવાયા છે.સાથો સાથ સ્થાનિક પ્રજાજનો અને ધારાસભ્યશ્રીઓની માંગણીને ધ્યાને લઈ સામાન્ય નાગરિકોને ત્વરિત સુવિધા મળી રહે તે હેતુથી માત્ર દહેજ GIDC અને આમોદ તરફ અપ-ડાઉન કરતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે આ માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.સંબંધિત વિભાગ દ્વારા પુલ અને એપ્રોચ રસ્તાનું સતત નિરીક્ષણ અને દેખરેખ રાખવામાં આવી રહી છે,જરૂરિયાત મુજબ સમયસર મરામત કરીને વાહનવ્યવહાર સુચારુ રીતે જાળવી રાખવામાં આવ્યો છે.



