– ટાઉનશીપમાં સિક્યોરિટી ટીમ તાત્કાલિક એલર્ટ થઈ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ અને નજર રાખવાની કામગીરી તેજ
– સિક્યુરિટીને ધ્યાને લઈ ટાઉનશીપમાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો : વન વિભાગ દ્વારા બે પાંજરા મુકવામાં આવ્યા
ભરૂચ,
ભરૂચની GNFC ટાઉનશીપ વિસ્તારમાં ધોળે દિવસે દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ ફેલાયો હતો.દીપડાની જાણ થતા જ કંપની સિક્યુરિટી દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને વન વિભાગ ને જાણ કરતા ટીમો કામે લાગી હતી અને દીપડાને ઝડપી પાડવા બે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ રવિવાર ના રોજ સવાર ના સમયે ભરૂચ ની GNFC કંપનીની ટાઉનશીપની સ્ટ્રીટ નંબર 9, 14 અને 24 ની આસપાસ દીપડાની અવરજવર જોવા મળી હતી.રહેણાંક વિસ્તારની નજીક દીપડો દેખાતા રહીશોમાં ચિંતા પ્રસરી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ GNFC ની સિક્યોરિટી ટીમ તાત્કાલિક એલર્ટ થઈ હતી અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ અને નજર રાખવાની કામગીરી તેજ કરી દેવામાં આવી હતી.આ ઉપરાંત દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા તાત્કાલિક ટીમ સાથે દોડી આવ્યા હતા અને રાઉન્ડ ઘ ક્લોક નજર રાખી દીપડાને પાંજરે પુરવા બે પાંજરા મુકવામાં આવ્યા હતા.
ધોળે દિવસે દીપડો દેખાતા ટાઉનશીપના રહીશોને સાવચેત રહેવા,ઘર માંથી બહાર નહીં નીકળવા,ખાસ કરીને રાત્રિના સમયે કે અંધારાવાળા વિસ્તારોમાં બિનજરૂરી બહાર ન નીકળવા અને બાળકો તથા પાલતુ પ્રાણીઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1 લી નવેમ્બર ના રોજ ભોલાવ જીઆઈડીસીમાં દીપડો દેખાતા વન વિભાગને જાણ કરતા સાંજ સુધી પાંજરું મુકવામાં આવ્યું ન હતું જોકે GNFC કંપનીની ટાઉનશીપમાં દીપડો દેખાતા તાત્કાલિક ટીમ દ્વારા શોધખોળ કરવા સાથે બે પાંજરા મુકવામાં આવતા વન વિભાગની કામગીરી શંકા ઉપજાવી રહી છે. ત્યારે ભોલાવ જીઆઈડીસી માં દેખાયેલ દીપડો GNFC કંપનીની ટાઉનશીપમાં દેખાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.



