‘અનોરા’ ફિલ્મ વિશે ભારતના સિનેપ્રેમીઓએ આજ સુધી ખાસ નહોતું સાંભળ્યું, પણ 3 માર્ચ, 2025 ના રોજ યોજાયેલા ફિલ્મજગતના સૌથી ગ્લેમરસ એવોર્ડ ફંક્શન એવા ‘ઓસ્કાર’માં પાંચ એવોર્ડ જીતીને ‘અનોરા’એ સૌનું ધ્યાન ખેંચ્યું છે. છ કેટેગરીમાં નોમિનેશન મેળવીને પાંચ એવોર્ડ જીતનાર ‘અનોરા’ના સર્જકે આજ સુધી કોઈએ નહોતો બનાવ્યો એવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
કોણે, કેવો રેકોર્ડ બનાવ્યો?
રેકોર્ડ બનાવ્યો છે ‘અનોરા’ના સર્જક શોન બેકરે, જેમણે આ ફિલ્મ માટે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેના એવોર્ડ જીત્યા છે. જી હાં, શોન બેકર જ આ ફિલ્મના નિર્માતા, નિર્દેશક, એડિટર અને લેખક છે. એક જ ફિલ્મ માટે ચાર ઓસ્કાર જીતનાર તેઓ પહેલી વ્યક્તિ છે.
આ અગાઉ છેક 1954 માં મહાન ફિલ્મમેકર વોલ્ટ ડિઝનીએ એક જ સમારંભમાં ચાર ઓસ્કાર જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અલબત્ત, ચારેચાર એવોર્ડ એમણે ચાર અલગ-અલગ ફિલ્મ માટે જીત્યા હતા. જ્યારે કે શોન બેકરે એક જ ફિલ્મ માટે ચાર એવોર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ ઓસ્કાર વોલ્ટ ડિઝની દ્વારા જ જીતાયા છે. તેમણે કુલ 26 ઓસ્કાર જીત્યા છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સર્વોચ્ચ એવોર્ડ જીતી હતી
2024 ના ફ્રાન્સના જગપ્રસિદ્ધ ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં પણ ‘અનોરા’ સૌથી મોટો એવોર્ડ ‘પામ ડી’ઓર’ જીતી ચૂકી છે. એ એવોર્ડ જીત્યા પછી જ વિશ્વભરમાં ‘અનોરા’ની ચર્ચા થવા લાગી હતી અને એણે અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સ ગજવ્યા હતા.
શોન બેકર ‘એકલા ચલો રે’માં માને છે
શોન બેકરે અત્યાર સુધીમાં ‘અનોરા’ સહિત આઠ ફિલ્મો બનાવી છે. પહેલી ફિલ્મ ‘ફોર લેટર વર્ડ્ઝ’માં નિર્માતાની ભૂમિકા બાદ કરીએ તો બાકીની તમામ ફિલ્મોના લેખક, નિર્દેશક, નિર્માતા અને એડિટરની જવાબદારી શોને પોતે જ નિભાવી છે. કદાચ તેમને પોતાની ફિલ્મોમાં બીજાનો ચંચુપાત પસંદ નહીં હોય એવું બની શકે.
એકલેહાથે અનેક મોરચા સંભાળવાના જોખમો
કોઈપણ ફિલ્મમાં એક જ વ્યક્તિ શોન બેકરની જેમ અનેક ભૂમિકાઓ ભજવતી હોય તો એમાં ફિલ્મને નુકશાન થવાનું જોખમ રહેલું છે. જેમ કે, લેખકે લખેલું કોઈ દૃશ્ય નિર્દેશક સહેજ જુદી રીતે ફિલ્માવી શકે અને એડિટર એમાં કાપકૂપ કરીને એને વધુ ‘શાર્પ’ બનાવી શકે. આ બાબત સમગ્ર ફિલ્મને લાગુ પડે છે. બે કે ત્રણ હાથમાંથી પસાર થતી કૃતિ વધુ ‘પોલિશ’ થઈ જતી હોય છે. જો એક જ વ્યક્તિ લેખક, નિર્દેશક, એડિટર જેવી તમામ જવાબદારી નિભાવતી હોય તો પછી એને પોતાના કામમાં ભૂલ દેખાય જ નહીં, એ દર્શકોના ‘પોઈન્ટ ઓફ વ્યૂ’થી વિચારીને કૃતિને આકાર આપવાને બદલે પોતાને ગમે એવું જ સર્જન કરવા તરફ સરકી જાય, જેને લીધે ફિલ્મ કંટાળાજનક અને ધીમી ગતિની બની જાય, એવું બની શકે. શોન બેકર કદાચ આવા જોખમમાં માનતા નથી, અથવા તો પોતાના કસબ પર તેમને પૂરો ભરોસો છે. ‘અનોરા’ને મળેલી વૈશ્વિક સફળતા એમના આત્મવિશ્વાસની સાબિતી છે.
‘અનોરા’ વાર્તા છે એક સ્ટ્રીપરની
આખી દુનિયા જેની વાહવાહી કરી રહી છે એવી ‘અનોરા’માં વાર્તા છે એક સ્ટ્રીપરની. અનોરા નામની યુવતી એક સ્ટ્રીપર છે, જે પૈસા માટે કપડાં ઉતારીને ડાન્સ કરવાનું કામ કરે છે. એક દિવસ તેના જીવનમાં વાન્યા નામના યુવાનનો પ્રવેશ થાય છે. વાન્યા એક બેફિકરો, ધનિક યુવાન છે. વાન્યા અને અનોરાના મન મળી જાય છે. બંને ભેગા મળીને તમામ પ્રકારની મોજમજા કરવા લાગે છે. એક દિવસ ઉત્સાહના અતિરેકમાં તેઓ લગ્ન પણ કરી લે છે. હવે વાર્તામાં ટ્વિસ્ટ આવે છે કે વાન્યા કોઈ અબજોપતિ રશિયન બિઝનેસમેનનો દીકરો છે. પિતાને જ્યારે જાણ થાય છે કે વાન્યાએ કોઈ સ્ટ્રીપર સાથે લગ્ન કરી લીધા છે ત્યારે તેઓ ગુસ્સે થઈ જાય છે અને કોઈપણ ભોગે તેમના લગ્ન તોડાવવાનો નિર્ણય કરી લે છે. પછી શું થાય છે, એ જાણવા માટે ફિલ્મ જોવી રહી.
અનોખું ઉપસ્યું છે ‘અનોરા’નું પાત્ર
ફિલ્મમાં અનોરાની ભૂમિકા 25 વર્ષની અભિનેત્રી માઈકી મેડિસને ભજવી છે. શોન બેકરે આ પાત્રને અદભુત રીતે કંડાર્યું છે અને માઈકીએ જીવ રેડીને એ પાત્રને જીવંત કર્યું છે, જેને લીધે સ્ટ્રીપર જેવા વ્યવસાય સાથે સંકળાયેલી હોવા છતાં અનોરા પ્રત્યે દર્શકોના મનમાં સહાનુભૂતિ જાગે છે. માઈકીએ પણ એના અપ્રતિમ અભિનય માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીત્યો છે.
સ્ટ્રીપરની ભૂમિકા ભજવવા માટે માઈકીએ કરી આવી તૈયારી
એક સ્ટ્રીપર કઈ રીતે કામ કરે છે, ડાન્સ કરે છે, વાતો કરે છે, એ બધું જાણવા-શીખવા માઈકી સ્ટ્રીપ ક્લબમાં ગઈ હતી. તે સ્ટ્રીપરો સાથે વાતો કરતી. તેણે અઘરો ગણાતો પોલ ડાન્સ પણ શીખી લીધો હતો.
સેક્સના દૃશ્યો માઈકીના ભેજાની પેદાશ છે
‘અનોરા’માં સેક્સના દૃશ્યો પણ છે, પણ એ ફિલ્માવવા માટે કોઈ ઈન્ટિમસી કો-ઓર્ડિનેટરનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો. છેલ્લા થોડા વર્ષોમાં ફિલ્મજગતમાં ઈન્ટિમસી કો-ઓર્ડિનેટરની સેવાઓ લેવાનું ચલણ વધી ગયું છે. ઈન્ટિમસી કો-ઓર્ડિનેટરનું કામ ફિલ્મોમાં સેક્સના સીન્સ સરળ બનાવવાનું હોય છે. જે કલાકારો વચ્ચે સેક્સનું દૃશ્ય ફિલ્માવવાનું હોય એ કલાકારોને જે-તે સીન ઈન્ટિમસી કો-ઓર્ડિનેટર પોતે ભજવી બતાવે છે અને પછી એ કલાકારોને એ સીનમાં તેમની ભૂમિકા અને પોઝિશન વગેરે બાબતે માહિતગાર કરીને તેમને સહજ બનાવે છે. અલબત્ત, ‘અનોરા’માં એવા કોઈ ઈન્ટિમસી કો-ઓર્ડિનેટરની સેવા લેવામાં નહોતી આવી. સેક્સના જે કંઈ દૃશ્યો છે એ બધાં માઈકી મેડિસને પોતે જ ‘ડિઝાઈન’ કર્યા છે. એનું એવું કહેવું છે કે આવા સીન્સમાં કલાકારો સ્વયંસ્ફુરણાથી કામ કરે તો સીન વધુ વાસ્તવિક અને સહજ લાગે છે.
‘અનોરા’ ભારતમાં કેમ રિલીઝ નથી થઈ?
અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે ‘અનોરા’ ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે. નિર્દેશક શોન બેકરે પોતે 9 નવેમ્બર, 2024 ની રિલીઝ ડેટ જાહેર કરી હતી, પરંતુ કોઈક કારણસર ‘અનોરા’ ભારતમાં રિલીઝ થઈ શકી નથી. કદાચ ફિલ્મનો બોલ્ડ વિષય નડી ગયો હોય. ઓસ્કારમાં મળેલ સફળતા બાદ આ ફિલ્મ હવે ભારતમાં રજૂ થાય, એવું બની શકે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is