અંકલેશ્વરના આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના પ્રકરણમાં આદિવાસી સમાજે ભરૂચ કલેક્ટરને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી

SHARE:

ભરૂચ,

કોસંબાની પી.પી.સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા અંકલેશ્વરના આદિવાસી વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટના બાદ ભરૂચ જીલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

કોસંબા નજીક આવેલી પી.પી.સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા અંકલેશ્વરના આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવા પર થયેલા હુમલાની ઘટના બાદ ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.આ મુદ્દે આજે ભરૂચના રેલ્વે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી કૂચ કરીને સમાજના આગેવાનો મહેશ વસાવા, ફતેસિંગ વસાવા,ધનરાજ વસાવા, અનિલ ભગત, રાજ વસાવા સહિતના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તનુજ વસાવાએ પોતાની ગાડી પર “વસાવા” લખાવ્યા બાદ અન્ય વિદ્યાર્થીઓએ તેના પર હુમલો કર્યો હતો.બાદમાં અંકલેશ્વર જીઆઈડી સીમાં પણ તેને માર મારવામાં આવ્યો હતો.આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસે તેમજ યુનિવર્સિટી સંચાલકોએ માથાભારે વિદ્યાર્થીઓને છાવરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આદિવાસી સમાજે કલેક્ટરને રજૂઆત કરીને માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.સાથે જ ચેતવણી ઉચ્ચારી છે કે જો ઝડપી પગલાં નહીં લેવામાં આવે તો આંદોલનનું આયોજન કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!