આમોદ,
સુઠોદરા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના પટાંગણમાં શક્તિ અને ભક્તિના પર્વ એવા ગુજરાતનું ગૌરવ ગણાતા નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તેમજ પર્યાવરણ પ્રેમી આચાર્ય રેખાબેન દ્વારા શાળાના પટાંગણમાં નવરાત્રી પર્વને પર્યાવરણ સાથે જોડી પ્રકૃતિમાં શક્તિનું દર્શન કરાવ્યું હતું.જેમાં એક પેડ માં કે નામ થીમ આધારિત ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકો માટે માતાજીની સમૂહ આરતી,આરતીની ડીશ શણગારવી, માતાજીના હાર બનાવવા,જેવી હરિફાઈનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ ટ્રેડિશનલ ડ્રેસ હરિફાઈ ગરબાનું વિશેષ આયોજન કરી પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત ગરબામાં ભાગ લીધેલ તમામ બાળકોને પણ પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું હતું.આ રીતે નવરાત્રી પર્વની એક આગવી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.ત્યાર બાદ શાળાના પટાંગણમાં મ્યૂઝિક સિસ્ટમના સથવારે બાળકો, દીકરીઓ,માતાઓ,બહેનો તેમજ વાલીગણ ગરબાના તાલે ઝૂમી ગરબાની રમઝટ બોલાવી હતી.સર્વે બાળકોએ ગરબા રમી સમૂહ આરતી કરી હતી.આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા ગરબા મહોત્સવ કાર્યક્રમમાં ફાફડા – જલેબીના નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.







