best news portal development company in india

ધૂળેટીની સાંજે અંકલેશ્વરના ને.હા ૪૮ નજીકના સ્ક્રેપના ૮ ગોડાઉનમાં ભીષણ આગ

SHARE:

– ૧૦ થી વધુ ફાયર ટેન્ડરો એ પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો
– પરવાનગી વગર ધમધમી રહ્યા હતા ગોડાઉન !
ભરૂચ,
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી.ધૂળેટીની સાંજે અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર ૪૮ ને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.એક પછી એક સ્ક્રેપના ૮ ગોડાઉન આગની ચપેટમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ને અડીને આવેલ સ્ક્રેપના માર્કેટમાં ભીષણ આગ લાગી હતી.નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.એક ગોડાઉનમાં લાગેલ આગ એક પછી એક ૮ ગોડાઉનમાં આગ પ્રસરી હતી.ધુમાડાના ગોટેગોટા અને અગન જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા અને ૧૦ થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. તો બનાવની જાણ થતાની સાથે જ સ્થાનિક આગેવાનો પણ દોડી આવ્યા હતા.આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતનું પણ નિવેદન સામે આવ્યું હતું.જેમાં ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું હતું કે પંચાયતની કોઈપણ જાતની પરવાનગી વગર સ્ક્રેપ માર્કેટમાં હાટડીઓ ધમધમી રહી છે જેને આવનારા સમયમાં નોટિસ આપવામાં આવશે.તો બીજી તરફ અગન જ્વાળા અને ધુમાડાના પગલે ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદ ઉઠી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલા મોટા ભાગના સ્ક્રેપ માર્કેટમાં સમયાંતરે આગની ઘટના બને છે.સ્ક્રેપના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટનો સંગ્રહ કરવામાં આવે છે.ત્યારે આવનારા સમયમાં મોટી હોનારત સર્જાઈ શકે છે તંત્ર દ્વારા અવારનવાર સ્ક્રેપ માર્કેટમાં ચેકિંગ પણ કરવામાં આવે છે.પરંતુ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!