(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
કેન્દ્રીય રેલ્વે અને જળ શક્તિ રાજ્યમંત્રી વી.સોમન્નાએ ૯ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ભારતના સૌથી સુંદર અને આધુનિક રેલ્વે સ્ટેશનોમાંના એક અને ગુજરાતના પ્રથમ “ગ્રીન રેલ્વે સ્ટેશન” એકતા નગરની મુલાકાત લીધી.
સોમન્નાએ રેલ્વે સ્ટેશન પરિસરનું નિરીક્ષણ કર્યું અને સ્વચ્છતા,આધુનિક સુવિધાઓ અને ગ્રીન ટેકનોલોજી સંબંધિત વિગતવાર માહિતી મેળવી હતી.મીડિયાને સંબોધતા સોમન્નાએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષોમાં, ભારતીય રેલ્વેએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને પૂર્ણ કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.ગુજરાતને વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૭,૧૫૫ કરોડનું બજેટ ફાળવણી પ્રાપ્ત થઈ છે,જે વર્ષ ૨૦૦૯-૧૪ માટે ફાળવણી કરતાં ૨૯ ગણું વધારે છે. ૨૦૧૪ થી, ગુજરાતમાં ૨,૭૩૯ કિલોમીટર નવા રેલ્વે ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ૩,૧૪૪ કિલોમીટર રેલ્વે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં ૮૭ સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે, ગુજરાતમાં વિવિધ સ્ટેશનો પર ૯૭ લિફ્ટ અને ૫૦ એસ્કેલેટર બનાવવામાં આવ્યા છે અને ૩૩૫ સ્ટેશનો પર વાઈફાઈ આપવામાં આવ્યું છે.હાલમાં ગુજરાતમાં ચાર વંદે ભારત ટ્રેનો કાર્યરત છે.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ,એકતા નગર,વડોદરા,અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં રેલ્વે સુવિધાઓને આધુનિક સ્તરે લાવવામાં આવી છે.પ્રધાનમંત્રીના “વિકસિત ભારત 2047” ના વિઝનમાં રેલ્વે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
એકતા નગર સ્ટેશન પર નિરીક્ષણ પહેલાં, માનનીય રેલવે રાજ્યમંત્રી વી.સોમન્નાએ વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રાજુ ભડકે સાથે સુરત – એકતા નગર સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું હતું.નિરીક્ષણ દરમ્યાન તેમણે રેલવેની ટ્રેક સલામતી અને કાર્યકારી કાર્યક્ષમતાની સમીક્ષા કરી હતી.તેમને ડિવિઝનની ટ્રેક સલામતી અને કાર્યકારી કાર્યક્ષમતા તેમજ ચાલુ વિકાસ પ્રોજેક્ટ્સ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.







