ભરૂચ,
ભરૂચમાં આરોગ્ય જાગૃતિ માટે એક નોંધપાત્ર પગલાં રૂપે, કેન્સર વિશે જાગૃતતા ફેલાવતી એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.પિંક ઑક્ટોબર અને કેન્સર અવેરનેસ મહિના અંતર્ગત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ – ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુકત ઉપક્રમે આ મફત કેન્સર તપાસ કેમ્પ યોજાયો હતો.
૧૨મી ઑક્ટોબર, શનિવારના રોજ ભરૂચના સેવા શ્રમ રોડ પાસે આવેલી ફરસરામી દરજી સમાજની વાડી ખાતે આયોજિત આ કેમ્પમાં, સ્તન કેન્સર, મોઢાના કેન્સર અને સર્વાઈકલ કેન્સરની નિદાન માટે મફત તપાસ કરવામાં આવી.સાથે સાથે HPV રસીકરણ અંગે લોકોને માર્ગદર્શન અને જાગૃતિ પણ આપવામાં આવી.જ્યારે ફરસરામી દરજી સમાજે આ કેમ્પના આયોજન માટે વાડીમાં વ્યવસ્થા કરી આપવા સહયોગ આપ્યો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો હતો, જેથી કોઈ પણ લક્ષણ જણાય ત્યારે તરત સારવાર શરૂ કરી શકાય અને બીમારીનો સમયસર નિવારણ થઈ શકે.
આ આરોગ્ય શિબિરનો લાભ લેવા માટે ભરૂચની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન આહિર,નગરપાલિકાના સેનેટરી ચેરેમન હેમાલી રાણા, ટ્રસ્ટના ઉપપ્રમુખ જીગ્નાસા ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન શેફાલી પંચાલ તથા જયાબેન મોદી હોસ્પિટલના ડૉક્ટરો ભૂમિકા પંચાલ,મિતેશ પટેલ અને ટ્રસ્ટના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્યમેળાઓ યોજાતા રહે તેવા પ્રયાસો હાથ ધરાશે અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સમયાંતરે સ્વાસ્થ્ય તપાસ કરાવવી જરૂરી છે.કેમ કે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે સમયસરની તપાસ અને સારવાર જ સર્વશ્રેષ્ઠ બચાવ છે.







