– આમોદ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીના અણઘડ વહીવટથી નગરજનોમાં નારાજગી
આમોદ,
આમોદ નગરપાલિકામાં છેલ્લા સાત મહિનાથી સામાન્ય સભા ખોરંભે પડતા પાલિકાના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીના વહીવટથી સ્થાનિક સદસ્યો તેમજ નગરજનોમાં નારાજગી જોવા મળી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.આમોદ પાલિકા દ્વારા છેલ્લે ૨૫ મી માર્ચના રોજ સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં પણ ભાજપના ચૂંટાયેલા ૧૨ સદસ્યોએ ગુણવત્તા વગર થયેલા વિકાસના કામોના બિલના ચૂકવણા અંગે વિરોધ કર્યો હતો.છતાં બિલો ચૂકવી દેવામાં આવતા સ્થાનિક સદસ્યોમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીના વહીવટથી નારાજ હોય તેમ જાણવા મળ્યું છે.નગરપાલિકાના અધિનિયમો મુજબ દર મહિને કારોબારી સભા કરવાની હોય છે તેમજ દર ત્રણ મહિને સામાન્ય સભા બોલાવવાની હોય છે.પરંતુ આમોદ પાલિકા દ્વારા ત્રિમાસિક હિસાબો મંજૂર કર્યા વિના જ આડેધડ મંજૂરીની અપેક્ષાએ ખર્ચાઓ પાડતા નગરજનોમાં પાલિકાના વહીવટ સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
આમોદ નગરપાલિકામાં છેલ્લા સાત મહિનાથી કારોબારી તેમજ સામાન્ય સભા બોલાવવામાં ના આવતા સ્થાનિક સ્વરાજની સંસ્થાની નિયમાવલીનો સ્પષ્ટ ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે.નગર પાલિકાના મુખ્ય અધિકારી માત્ર ૧૧ માસના કરાર આધારિત હોઈ છતાં તેમણે નિયમ મુજબની મંજૂરી લીધા વિના ત્રિમાસિક આવક–જાવક મંજૂર કર્યા વિના સરકારી ગ્રાન્ટોનો મનસ્વી રીતે વપરાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.અયોગ્ય અને મનસ્વી વહીવટને કારણે નગર પાલિકાના સદસ્યોમાં પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.કારોબારી અને સામાન્ય સભાઓ ન બોલાવવાના કારણે લોકહિતના નિર્ણયો લઈ શકતા નથી.જે લોકશાહી પ્રક્રિયા અને પારદર્શિતાના સિદ્ધાંતોને નુકશાન પહોંચાડી રહ્યા છે.
આ બાબતે આમોદ પાલિકા પ્રમુખ જલ્પા પટેલે બોદો બચાવ કરતા જણાવ્યું હતું કે સ્ટાફની અછત અને વહીવટી મંજૂરીના કારણે સામાન્ય સભા ખોરંભે પડી છે.જે સામાન્ય સભા ટૂંક સમયમાં બોલાવવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકામાં વર્ષોથી આજ સ્ટાફ અને કર્મચારીઓથી સામાન્ય સભા નિયત સમયમાં યોજવામાં આવી હતી.







