ભરૂચ,
ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કાર્યરત કોલ્ડ સ્ટોરેજ છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં રહેતા પ જેટલા મૃતદેહો વિકૃત હાલતમાં થતા સામાજિક કાર્યકરે તાત્કાલિક મૃતદેહોની અંતિમ ક્રિયા કરાવી હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા અંદર મુકવામાં આવેલ પાંચ જેટલા મૃતદેહ વિકૃત હાલતમાં થઈ ગયા હતા.જેના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી.આ ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સ્થળ પર પહોંચ્યા હતા અને માનવતાના નાતે તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે મૃતદેહોની અંતિમક્રિયા કરાવી હતી.આ તરફ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કોલ્ડ સ્ટોરેજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ અગાઉ પણ કોલ્ડ સ્ટોરેજ બગડવાના બનાવો સામે આવ્યા હતા.પરંતુ યોગ્ય જાળવણીના અભાવે સમસ્યા વારંવાર ઉભી થઈ રહી છે.સામાન્ય રીતે પોલીસ અને સિવિલ હોસ્પિટલના નિયમ અનુસાર બિનવારસી હાલતમાં મળતા મૃતદેહોને ત્રણ દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે.જેથી કોઈ સગા-સંબંધીઓ મળી જાય તો તેમને મૃતદેહ સોંપી શકાય પરંતુ હાલની પરિસ્થિતિથી વિકટ બની રહી છે.







