(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગના ઊંડી ગામના કર્મનિષ્ઠ સામાજિક અગ્રણી ઉર્મિલાબેન દલુભાઈ વસાવા દ્વારા સમાજસેવાનાં કાર્યો થકી અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ બન્યાં છે. તેમનું સેવાકાર્ય માત્ર એક ગામ પૂરતું સીમિત ન રહેતા આસપાસના વિસ્તારોમાં પણ પ્રસરી રહ્યું છે,જે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
નેત્રંગ તાલુકાના ઊંડી ગામના સમાજ સેવિકા ઉર્મિલાબેન વસાવા દ્વારા વાંકોલ ગામની તેમજ ઉમરખડા, કોલીયાપાડા અને મોટા માલપોરની વિધવા બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું. આ કાર્ય માત્ર ભૌતિક મદદ નથી,પરંતુ બહેનોને સન્માન અને હૂંફ આપવાનો એક સંવેદનશીલ પ્રયાસ છે.અગાઉ, સિકલસેલ જેવી ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ માટે અનાજની કીટનું વિતરણ કરીને તેમણે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મદદ દર્દીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહત લઈને આવી છે.વડીલો પ્રત્યે આદર દાખવીને, તેમણે સિનિયર સિટીઝન્સને ગરમ ધાબળાનું વિતરણ પણ કર્યું હતું.જે ઠંડીની ઋતુમાં તેમના માટે સાચા આશીર્વાદરૂપ સાબિત થયું છે.ઉર્મિલાબેન વસાવાનું આ કાર્ય સૂચવે છે કે સાચા અગ્રણી એ છે જે સમાજના સૌથી નબળા વર્ગની પીડાને સમજીને નિઃસ્વાર્થ ભાવે તેમની મદદે દોડી જાય છે.




