ભરૂચ,
ભરૂચ તાલુકાના મંગલેશ્વર કબીરવડ નજીક નર્મદા નદીમાં ૧૯ વર્ષીય યુવક ડૂબી જવાની ઘટના બની છે. નેત્રંગ તાલુકાનો આદર્શ વસાવા નામનો યુવક આજે વહેલી સવારે લગભગ ૬ વાગ્યે નદીમાં લાપતા થયો હતો તેની શોધખોળ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આદર્શ વસાવા પોતાના મિત્રો સાથે કબીરવડ વિસ્તારમાં ફરવા આવ્યો હતો. આ દરમિયાન તે નર્મદા નદીના કાંઠે પાણીમાં ઉતર્યો હતો. અચાનક પાણીના પ્રવાહમાં આવી જતાં તે ડૂબી ગયો હતો. ઘટના બનતાની સાથે જ તેની સાથે આવેલા મિત્રો અને સ્થાનિક લોકોએ મદદ માટે બૂમરાણ મચાવી હતી.તેમણે તાત્કાલિક ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
માહિતી મળતા જ ફાયર ઓફિસર અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળની કામગીરી શરૂ કરી હતી.ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમને પણ સહાય માટે બોલાવવામાં આવી છે.બંને ટીમો નર્મદા નદીના કિનારેથી નૌકાઓની મદદથી પાણીમાં યુવકની શોધખોળ કરી રહી છે. સ્થળ પર સ્થાનિક પોલીસ દળ પણ પહોંચી ગયું છે. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો ન મળતાં શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.







