– પ્રોડક્શન પર અસર વર્તાતા ભરૂચ જીલ્લાના ઉદ્યોગ જગત પર સંકટ
ભરૂચ,
યુક્રેન યુદ્ધ અને અમેરિકા દ્વારા વધારવામાં આવેલ ટેરિફ બાદ તહેવાર અને બિહાર ચૂંટણીમાં કામદારોએ વતનની વાટ પકડતા પ્રોડક્શન પર તેની અસર વર્તાય રહેતા ભરૂચ જીલ્લાના ઉદ્યોગ જગત પર સંકટ ઉભુ થયું છે.
ભરૂચ જીલ્લો એક ઔદ્યોગીક જીલ્લો છે.જ્યાં હજારો કંપનીઓ આવેલ છે.ત્યારે અહીં ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી લોકો રોજગારી અર્થે આવતા હોય છે.જેના કારણે ઉદ્યોગો ધમધમતા હોય છે અને રાજ્ય સહિત દેશ બહાર આયાત અને નિકાસ થતી હોય છે.પરંતુ છેલ્લા કેટલાય સમયથી યુક્રેન યુધ્ધ ત્યાર બાદ એમ્રિકા દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ અને હાલમાં બિહારમાં યોજાનાર ચૂંટણીને લઈને કામદારોએ વતનની વાટ પકડતા ઉદ્યોગો પર પ્રોડક્શન પર તેની અસર જોવા મળી રહી છે.
ભરૂચ જીલ્લાની અંકલેશ્વર – પાનોલી જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારો જણાવે છે કે હાલ રોકડિયા કામદારો મળવા મુશ્કેલ બન્યા છે.ખાસ કરીને ફાર્મા અને કેમિકલ સેક્ટર પર તેનું સૌથી વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે.ઉદ્યોગકારો કહે છે કે યુક્રેન યુદ્ધ પછી કાચા માલના ભાવમાં વધારો થયો હતો.ત્યાર બાદ અમેરિકાના ટેરિફ વધારાથી નિકાસમાં મુશ્કેલીઓ ઊભી થઈ.હવે દિવાળી તહેવાર અને વેકેશન સાથે બિહાર રાજ્યમાં યોજાનારી ચૂંટણીને કારણે મોટા પ્રમાણમાં બિહારી કામદારોએ મતદાન માટે વતનની વાટ પકડી છે.પરિણામે ઉદ્યોગોમાં કામદારોની અછત સર્જાતા ઉત્પાદન ક્ષમતા ઘટી છે.અંકલેશ્વર-પાનોલી વિસ્તારમાં ફાર્મા સેક્ટરમાં લગભગ 40 ટકાનો ઉત્પાદન ઘટાડો નોંધાયો હોવાનું ઉદ્યોગ જગતમાંથી જાણવા મળ્યું છે.વિવિધ પ્રોડક્ટના ઉત્પાદન પર તેની સીધી અસર થઈ રહી છે.ઉદ્યોગકારો હવે ચિંતિત છે કે જો આવી સ્થિતિ લાંબા સમય સુધી યથાવત્ રહેશે તો કામદારોની અછતને પહોંચી વળવા માટે ઓટોમેશન (સ્વચાલન) ટેકનોલોજી અપનાવવી ફરજિયાત બનશે.યુક્રેન યુદ્ધ, અમેરિકાનો ટેરિફ, તહેવારની સીઝન અને બિહારની ચૂંટણી આ બધા કારણને લઈને ભરૂચ જીલ્લાના ઉદ્યોગ જગતને મોટો ઝટકો થવા સાથે 40% સુધીનું ઉત્પાદન ઘટ્યું છે અને રોકડિયા કામદારો મળવા મુશ્કેલ બનતા ઉદ્યોગ જગત પર સંકટ ઉભુ થયું છે.







