– ઝઘડિયા જીઆઈડીસીમાં અવારનવાર સર્જાતી જીવલેણ ઘટનાઓમાં એકનો વધારો !
– ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં સર્જાતી દુર્ઘટનાઓને પગલે કામદારોની સલામતી બાબતે સવાલો ઉભા થયા
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા,ભરૂચ, વાગરા,દહેજ સહિતના વિસ્તારોમાં વિવિધ ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે.આવા ઔદ્યોગિક વિસ્તારોમાં છાસવારે સર્જાતી જીવલેણ દુર્ઘટનાઓમાં મહામૂલી માનવજીંદગીઓ નંદવાતી હોવા છતાં કંપનીઓમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટરો ઉણા ઉતરતા હોવાનું જાણે હવે સામાન્ય બન્યું હોય એમ લાગે છે.ત્યારે ઝઘડિયા જીઆઈડીસીની એક્યુટાસ કંપનીમાં બીજા માળે ફેબ્રિકેશનનું કામ કરતો એક કામદાર નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ કામદારનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
ઝઘડિયા જીઆઈડીસી પોલીસ માંથી મળતી વિગતો અનુસાર મુળ બિહારનો અને હાલ અંકલેશ્વર નજીકના ગડખોલ પાટિયા ખાતે રહેતો ૪૫ વર્ષીય ઉમાશંકર જનેશ્વર ભગત નામનો કામદાર ઝઘડિયા જીઆઈડીસીમાં એક્યુટાસ કંપનીમાં નવા બનતા પ્લાન્ટમાં બીજા માળે ફેબ્રિકેશનનું કામ કરતો હતો તે દરમિયાન કટ આઉટમાંથી પહેલા માળે પટકાતા માથા અને પગના ભાગે લોખંડની એંગલ વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.ઈજાગ્રસ્ત કામદારને સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.ઝઘડિયા જીઆઈડીસી પોલીસે આ ઘટના સંદર્ભે કાયદેસર કાર્યવાહી કરી તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં છાસવારે કામદારનું ઉપરથી નીચે પડવું,ગેસ લિકેજ,આગજની,બ્લાસ્ટ જેવી વિવિધ દુર્ઘટનાઓ સર્જાતી હોવા છતાં કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટરો કામ કરતા કામદારોની સલામતી બાબતે ઉણા ઉતરતા હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે.







