– બન્ને બાળકના મોત થતાં પરિવારમાં ધેરા શોકની લાગણી પ્રસરી હતી
ભરૂચ,
દહેજ GIDC વિસ્તારમાં આવેલી અથર્વશેષ એન્વાયરો કોલોની કોન્ક્રીટ મિલર મશીનના ચાલકે બે નાનાં બાળકોને કચડી નાંખી ફરાર થતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી.જેમાં દહેજ GIDC વિસ્તારમાં આવેલી અથર્વશેષ એન્વાયરો કોલોનીમાં ૨૪ મી નવેમ્બરના રોજ સવારે કડિયાકામ કરતા પરિવારના બે બાળકો સાઈટ નજીક રમતા હતા.એ દરમ્યાન બેફામ રીતે કોન્ક્રીટ મિલર મશીન હંકારાતા ચાલકે બે નાનાં બાળકોને કચડી નાખ્યા હતાં.જેમાં ૭ વર્ષની બાળકી અને ૧ વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.જે બાદ ચાલક ફરાર થઈ ગયો હતો.મૃત બાળકોના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.જ્યારે ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટના બાદ દહેજ પોલીસ તરત જ હરકતમાં આવી હતી.પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે વાહનચાલકની શોધખોળ શરૂ કરી હતી.બાળકોને કચડી નાંખ્યા બાદ આરોપી ચાલક શમપુ રામકુમાર ભરતીને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 







