– ભરૂચ એસઓજીની ટીમે ૧.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને એક ઈસમને ઝડપી લીધો
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના ઈન્દોર ગામેથી ભરૂચ એસઓજીની ટીમે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ પકડી એકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એ.વી.પાણમીયાએ એસઓજીની ટીમને જીલ્લાના વિવિધ વિસ્તારોમાં થતી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધીને કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.આ દરમ્યાન એસઓજીની ટીમને બાતમી મળેલ કે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના ઈન્દોર ગામે રહેતા મનિશ ગોવિંદ ઠાકોરના રહેણાંક મકાનના વાડામાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે.એસઓજી પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરતા સદર ઈસમ મનિશ ઠાકોર સ્થળ ઉપર હાજર મળેલ. એસઓજીની ટીમને સદર રહેણાંક મકાનના વાડા માંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનો વાવેતર કરેલ છોડ મળી આવ્યો હતો. એસઓજીની ટીમે આ શંકાસ્પદ ગાંજાનો છોડ કબ્જે લીધો હતો અને આ શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનો છોડનું વજન ૩.૭૪૯ કિલોગ્રામ કિંમત રૂપિયા ૧૮૭૪૫૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર હાજર મળેલ મનિશ ઉર્ફે કાળીયો ગોવિંદ ઠાકોર હાલ રહે.ગામ ઈન્દોર તા.ઝઘડિયા જી.ભરૂચ અને મુળ રહે.ખોરજ તા.સાણંદ જી.અમદાવાદનાને ઝડપી લઈને તેના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.ત્યાર બાદ એસઓજી પોલીસે મળી આવેલ શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક છોડ બાબતે આગળની જરૂરી તપાસ અને કાર્યવાહી હાથધરી હતી.




