– સરકારી અધિકારી નવદંપતીએ ધામધૂમથી લગ્ન કરવાના બદલે સાદગીપૂર્ણ લગ્ન કર્યા
રાજકોટ,
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો વૈદિક વિવાહ રૂપી એક વિચાર આજે સમાજમાં ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શરૂ કરવામાં આવેલી વૈદિક વિવાહની પહેલને હવે આર્થિક સક્ષમ પરિવારો પણ અપનાવી રહ્યા છે.જેમાં ગત તારીખ 2 ડિસેમ્બરને મંગળવારના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આયોજિત વૈદિક વિવાહમાં એક અનોખા વૈદિક વિવાહ યોજાયા હતા.જેમાં ક્લાસ-2 અને સુપર ક્લાસ-3 અધિકારીએ પ્રભુતામાં પગલાં પાડી લગ્ન જીવનનો શુભારંભ કર્યો હતો અને સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી.
વૈદિક વિવાહ અંતર્ગત 2 ડિસેમ્બરના રોજ વર રવિભાઈ રમણીકભાઈ રામાણી કે જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના રતનપરના વતની છે અને હાલ અમરેલી ખાતે એકાઉન્ટ ઓફિસર (ક્લાસ-2) તરીકે ફરજ બજાવે છે જ્યારે કન્યા કિંજલબેન નાગજીભાઈ સાંગાણી કે જેઓ ગોંડલ તાલુકાના નાના મહિકા ગામના વતની છે અને ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySo) (સુપર ક્લાસ-3) તરીકે ફરજ બજાવે છે. બન્ને પરિવારો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં બન્નેના પરિવારે શ્રી ખોડલધામ આયોજિત વૈદિક વિવાહમાં સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવાનો સરાહનીય નિર્ણય લીધો હતો.
આ વૈદિક વિવાહ પ્રસંગે ઉપસ્થિત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગોમાં ખોટી હરિફાઈ ન થાય અને બિનજરૂરી ખર્ચાઓ ન થાય તે માટે નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા વૈદિક વિવાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં આપણી સંસ્કૃતિ પ્રમાણે વિધિ કરવામાં આવી રહી છે.સર્વ સમાજના વધુ ને વધુ પરિવારો આ વૈદિક વિવાહનો લાભ લે તેવી અમારા ટ્રસ્ટના પ્રયત્નો છે.
વૈદિક વિવાહ વિધિ કરનાર શાસ્ત્રી હિતેષભાઈ દવેએ જણાવ્યું હતું કે હિંદુ સંસ્કૃતિમાં રહેલા 16 સંસ્કારમાંથી એક વિવાહ સંસ્કાર પણ છે.આ કળિયુગમાં વિવાહ સંસ્કાર માત્ર આડંબર સ્વરૂપે જીવિત રહ્યો છે.જેના પરિણામે આપણે સમાજમાં શ્રેષ્ઠ નાગરિક શોધવા નીકળવું પડે છે.જો સંસ્કૃતિ પ્રમાણે વિવાહ સંસ્કાર પૂર્ણ કરવામાં આવે તો દામ્પત્ય જીવનમાં યશ, વિજય, માન-પાન, પદ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.જેના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વૈદિક વિવાહનું આયોજન કરાઈ રહ્યું છે.
કન્યા કિંજલબેન સાંગાણીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વિચારો અને વ્યવસ્થામાં આપણી વ્યવસ્થા બદલાઈ ગઈ છે.જ્યારે આ વૈદિક વિવાહ એક વિચાર છે.જો આ વિચાર દરેક સુધી પહોંચશે તો વ્યવસ્થા છે તે ચોક્કસ યોગ્ય થઈ જશે.શ્રી ખોડલધામ ટ્રસ્ટનો આ ખૂબ જ સારો વિચાર છે જેનો લાભ સમાજના તમામ વર્ગે લેવો જોઈએ.
આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરીયાએ કહ્યું હતું કે આજે દેખાદેખીમાં લોકો દેવું કરીને પણ લગ્ન પ્રસંગ પાછળ ખર્ચ કરતાં હોય છે.ત્યારે એક વર્ષ પહેલા નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટને વિચાર આવ્યો કે આવા લોકો આર્થિક બોજ તળે દબાય ન જાય તે અંતર્ગત વૈદિક વિવાહની શરૂઆત કરવામાં આવી છે.આ વૈદિક વિવાહમાં કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદ વગર સર્વ જ્ઞાતિના પરિવારોને આવકારવામાં આવે છે.વૈદિક વિવાહ અંતર્ગત એક વર્ષમાં અત્યાર સુધી 25 વિવાહ યોજાઈ ચુક્યા છે.
આ વૈદિક વિવાહ પ્રસંગે વર-કન્યાના આ નિર્ણયને બિરદાવવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, કન્વીનરો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વર-કન્યાને મા ખોડલની પ્રતિમા આપી ખેસ પહેરાવીને સન્માનિત કર્યા હતા અને બન્નેના પરિવારોને આ પ્રેરણાદાયી નિર્ણય લેવા બદલ અભિનંદન પાઠવાયા હતા.
મહત્વનું છે કે, રાજકોટ શહેરના શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે દિવસમાં ચાર વૈદિક વિવાહનું આયોજન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે. વૈદિક વિવાહ પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી 25-25 લોકો ઉપસ્થિત રહી શકે છે અને સાદગીપૂર્ણ રીતે વિવાહ પ્રસંગ યોજાય છે.વૈદિક વિવાહમાં કોઈપણ જ્ઞાતિના લોકો જોડાઈ શકે છે.વૈદિક વિવાહ માટે અગાઉથી બુકિંગ કરાવવું અનિવાર્ય છે.બુકિંગ કરાવવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ મુખ્ય કાર્યાલય, સરદાર પટેલ ભવન, નવું બિલ્ડિંગ,ચોથો માળ,ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે,ન્યૂ માયાણીનગર, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ, મો.નં.7486020810 અથવા 9712947894 પર સંપર્ક કરવા જણાવાયું છે.







