– જીઆઈડીસીની કેટલીક કંપનીઓમાં ઝેરી કેમિકલ્સ પણ ઉત્પન્ન થાય છે ત્યારે કેમિકલ યુક્ત ફીણ સાથે નીકળતા પાણીને સહજના ગણી શકાય!
ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીની વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદુષિત પાણી ખુલ્લામાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે.જીઆઈડીસીની વિવિધ કંપનીઓના કેમિકલયુક્ત પાણીને લઈ જવા પાઈપલાઈન બનાવેલી છે.પાઈપલાઈન દ્વારા કંપનીઓનું કેમિકલયુક્ત પાણી વહન કરાતું હોય છે.દરમ્યાન આજરોજ જીઆઈડીસીની કંપનીઓનું કેમિકલયુક્ત પ્રદુષિત પાણીનું વહન કરતી પાઈપલાઈન માંથી કેમિકલ યુક્ત ફીણ સાથે પ્રદુષિત પાણી નીકળતું જોવા મળ્યું હતું. આ અંગે જીઆઈડીસી સત્તાવાળાઓનો સંપર્ક કરવા છતાં જવાબદાર લોકો દ્વારા કોઈ વ્યવસ્થિત માહિતી મળી શકી ન હતી.ઝઘડિયા જીઆઈડીસીમાં પોલીસ મથક નજીકના વિસ્તાર માંથી પસાર થતી આ પાઈપલાઈન માંથી ફીણ સાથે કેમિકલયુક્ત પાણી બહાર ફેલાતું જોવા મળ્યું હતું. જીઆઈડીસી સત્તાવાળાઓ દ્વારા આવી બાબતોમાં ઢાંક પિછોડો કરાતો હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે.
ઉલ્લેખનીય છે કે જીઆઈડીસીમાં કાર્યરત વિવિધ કેમિકલ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદુષિત પાણી જાહેરમાં છોડવાના બનાવ હવે સામાન્ય બની ગયા છે,ત્યારે જીઆઈડીસીની કંપનીઓનું પ્રદુષિત પાણી લઈ જતી પાઈપલાઈન માંથી કેમિકલ યુક્ત ફીણ સાથે પાણી નીકળતું જણાતા જીઆઈડીસી પંથકમાં ચકચાર મચી જવા પામી જતી.
નોંધનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં કેમિકલનું ઉત્પાદન કરતી ઘણી કંપનીઓ કાર્યરત છે અને કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અને ઉત્પન્ન થતા કેમિકલ્સમાં ઘણા ઝેરી અને જીવસૃષ્ટિને નુકશાન કરે તેવા હોય છે.ત્યારે કંપનીઓના વેસ્ટ પાણીનું વહન કરતી પાઈપલાઈન માંથી કેમિકલ યુક્ત ફીણ સાથે પ્રદુષિત પાણી બહાર આવે તે બાબત સામાન્ય ન ગણી શકાય!







