ભરૂચ,
આમોદ નગરનો હાલ કૂદકે ભૂચકે વિકાસ થઈ રહ્યો છે.તેમજ આમોદ નગર એ તાલુકાના ૫૪ ગામોને જોડતું મહત્વનું તાલુકા મથક છે.છતાં તાલુકામાં મહત્વની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.જે અંગે આમોદ વેપારી એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ પટેલ સહિતના આગેવાનોએ આજ રોજ ધારાસભ્ય ડી.કે.સ્વામીને રૂબરૂ મળી આમોદના વિકાસમાં અવરોધરૂપ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.જેમા આમોદમાં સબ-રજિસ્ટ્રાર તેમજ સીટી સર્વે કચેરીમાં અધિકારીની કાયમી નિમણૂંક કરવી,આમોદ તાલુકાનું મહત્વનું વેપારી મથક હોવાથી તેમજ જંબુસર અને વાગરા સાથે જોડાયેલું હોવાથી આમોદમાં સેશન્સ કોર્ટ કાર્યરત કરવા સૂચન કર્યું હતું,આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સુવિધાઓ વધારવા માંગ કરી હતી.
તેમજ આમોદના બેરોજગાર યુવાનો રોજગારી માટે દહેજ – અંકલેશ્વર ખાતે અપ ડાઉન કરતા હોય સ્થાનિકકક્ષાએ રોજગારી એકમ સ્થાપવા રજૂઆત કરી હતી.
આ ઉપરાંત આમોદ નગરપાલિકા હોવા છતાં નગરજનોને જોઈએ તે પ્રમાણે સુવિધાઓ નહિ મળતી હોવાથી વેપારીઓ તેમજ મુસાફરોએ અનેક હાલાકીનો સામનો કરવો પડે છે.જેથી આમોદ ચાર રસ્તા ઉપર બંને બાજુ પીક અપ સ્ટેન્ડ બનાવવા માંગ કરી હતી જોકે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ગ્રાન્ટ ફાળવી હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી ચાર રસ્તા ઉપર પીક અપ સ્ટેન્ડ નહીં બનતા વેપારીઓ તેમજ નગરજનોમાં નારાજગી જોવા મળી રહી છે.આમોદ નગરમાં સીસીટીવી કેમેરા મૂકવા માંગ કરી હતી.તેમજ આમોદ પાલિકાએ બનાવેલું શોપિંગ સેન્ટર વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.જેથી પાલિકાની આવકમાં વધારો થઈ શકે. આમોદના ટાવરનું રીનોવેસન કરાવવા માંગ કરી હતી.આ ઉપરાંત આમોદ-ભરૂચ ઈન્ટરસિટી બસ શરૂ કરવી,જંબુસર- મણિનગર સાંજની ટ્રીપ આમોદથી શરૂ કરવી, આમોદ-વડોદરાની ટ્રીપમાં વધારો કરવો,જંબુસરથી રાત્રે ૯ કલાકની ભરૂચની ટ્રીપ શરૂ કરવી,કરજણ – તેમજ પાલેજના અવરજવર માટે એસ.ટી.ટ્રીપની સંખ્યા વધારવી,આમોદ-પાટવેલ તથા આમોદ-મહુધા ટ્રીપ બંધ થઈ ગયેલ હોય ફરીથી શરૂ કરવા માંગ કરી હતી.વડોદરા જવા માટે સાંજે ૬ કલાક પછી કોઈ સગવડ નથી જેથી જંબુસરથી છેલ્લી ટ્રીપ આમોદથી શરૂ કરવા માંગ કરી હતી.




