– રીક્ષામાં સવાર બે મહિલા દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા : રિક્ષા ડ્રાઈવર,સવાર અને બાઈક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ
– ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો : જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ,
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક રિક્ષા ચાલકે બાઈકને અડફેટે લીધા બાદ આગ લાગતા એક મહિલા જીવતી ભુંજાઈ જવા સાથે ત્રણ લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તો અકસ્માતની જાણ થતાં જીઆઈડીસી પોલીસ દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક શુક્રવારના રોજ સવારના સમયે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલકને રિક્ષા ચાલકે અડફેટમાં લેતા ધડાકાભેર ટક્કર થયા બાદ બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યો હતા.જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોવા મળી હતી.CCTVમાં જોવા મળતા દ્રશ્યો પ્રમાણે સૌથી પહેલાં બે ટુવ્હીલર વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે. એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે અને ટ્રકની પાછળ એક રીક્ષા આવે છે.રીક્ષાચાલક બ્રેક મારવા જતાં કાબૂ ગુમાવી દે છે અને રીક્ષા પલટી મારી દૂર ફંગોળાઈ જાય છે.જ્યારે ટુવ્હિલર પણ દૂર સુધી ફેંકાય છે.રીક્ષા સાથેની આ જોરદાર ટક્કર બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર ચંપાબહેન વસાવાએ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો પણ નીકળી ન શક્યા હોવાથી જીવા ભૂંજાઈ જતાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.જ્યારે બબલુકુમાર, શર્મિષ્ઠા બહેન વસાવા અને નીલાબહેન વસાવા એમ ત્રણ લોગો ગંભીર રીતે દાઝતા તેઓને સારવાર માટે પ્રથમ ગડખોલ PHC અને બાદમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક મુસાફર હિતેશ કુમારે જણાવ્યું હતું કે, રીક્ષાને બ્રેક મારતાં તે પલટી ખાઈ ગઈ હતી.આ ટક્કરમાં એક બાઈક અને રીક્ષા બળીને ખાખ થઈ ગયા હતા.અમે બે માસીને બચાવ્યા અને એક માસી અંદર જ બળીને મરી ગયા હતા અને ત્રણ જણા બચી ગયા તેને હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા છે.
પેટ્રોલપંપ કર્મચારી ફેરનસિંહ પરમારે જણાવ્યું હતું કે બાઈક ચાલકે ટર્ન માર્યો એ સમયે સામેથી એક મોટી ગાડી આવી એ જ વખતે એક રીક્ષાએ પણ ટર્ન માર્યો હતો જેને કારણે અચાનક આગ લાગી.મેં મારા ફાયરનો સામાન લઈને ત્રણ લોકોને ખેંચીને બચાવ્યા હતા અને આગને કંટ્રોલ કરવામાં આવી હતી.
રિક્ષામાં ડ્રાઈવર સહિત કુલ છ લોકો સવાર હતા.જેમાંથી કોંઢ ગામના રહેવાસી ચંપાબહેન વસાવા, શર્મિષ્ઠા બહેન વસાવા અને નીલાબહેન વસાવા ઘરકામ માટે અંકલેશ્વર જતાં હતા.તે સમયે આ અકસ્માત સર્જાતાં ચંપાબહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જ્યારે શર્મિષ્ઠા બહેન વસાવા અને નીલાબહેન ગંભીર રીતે દાઝી ગયા છે.આ સિવાય રિક્ષામાં સવાર મુસાફર બબલુકુમારને પણ ગંભીર ઈજાઓ થતા તેની પણ સારવાર ચાલુ છે.આ ઉપરાંત રિક્ષામાં અન્ય એક યુવતી પણ હતી.જે દોડીને બહાર આવી જતાં તેનો આબાદ બચાવ થયો છે.જ્યારે રિક્ષા ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ છે તેમજ જે બાઈક સાથે અથડાઈને આ અક્સમાત થયો તે બાઈક ચાલકને પણ સમાન્ય ઈજાઓ થઈ છે.
અકસ્માતની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.







