ભરૂચના જુના તવરા ગામે દીપડાનો આતંક : દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગે કવાયત શરૂ કરી

SHARE:

– ગાયના વાછરડાને ઉઠાવી જવાની લોક બુમ ઉઠતા વન વિભાગ દોડતું થયું

ભરૂચ,

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે છેલ્લા ચાર દિવસથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. ગામમાં આવેલા પશુપાલકોના ચોવારા વાડા માંથી રાત્રિ દરમ્યાન દીપડો ગાયના નાનાં વાછરડાઓ ઉઠાવી જતો હોવાની ઘટનાઓ સામે આવી છે.જેના કારણે સમગ્ર ગામમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે.

દીપડાની સતત હલચાલને કારણે પશુપાલકો રાત્રિ દરમિયાન પોતાના પશુઓના રક્ષણ માટે ઉજાગરા કરી રહ્યા છે.તેમ છતાં દીપડાનો આતંક યથાવત રહેતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ છે.ગતરોજ મોડી રાત્રે તવરા પ્રાથમિક શાળા પાસે આવેલા એક પશુપાલકના ચોવારા વાડા માંથી દીપડો વાછરડું ઉઠાવી ગયો હતો અને નજીકની જાડી ઝાડીઓમાં લઈ જઈ તેનું ભક્ષણ કરતાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ જુના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતી પૃથ્વીરાજસિંહને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.જેના પગલે વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિની તપાસ હાથધરી હતી.વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં બે કે તેથી વધુ પાંજરા મૂકવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ સાથે ભરૂચ સી.ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.ગ્રામજનોએ વહેલી તકે અસરકારક પગલાં લઈ દીપડાને પકડી પાડવાની માંગ ઉઠાવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!