– ધારાસભ્ય ચૈતર વસાવા ધરણાને ૨૪ કલાકથી વધુ સમય થયો, માંગો માનવામાં ન આવી તો અનિશ્ચિતકાળ સુધી આંદોલનની ચેતવણી
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા જીઆઈડીસીની નાઈટ્રેકસ કેમિકલ ઈન્ડિયા લિમિટેડ કંપની ખાતે કામદારોના હક્ક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ૨૪ કલાકથી ધરણા પર બેઠા છે.આજે ધરણા પ્રદર્શનના બીજા દિવસે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા ૨૪ કલાકથી ધરણા પર બેઠા છીએ.અહીંયા કર્મચારીઓની જે માંગણીઓ છે એને અમે સમર્થન આપી રહ્યા છીએ. હાલ આ મુદ્દે અનેક આગેવાનો પણ અમારી સાથે ઉપસ્થિત છે અને તમામનું સમર્થન છે.અમારી માંગણીઓ ખૂબ જ સરળ છે, કે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે,જેમ કે ઇન્ડસ્ટ્રીયલ ડીસ્પ્યુટ એક્ટ ૧૯૪૭ હોય, ફેક્ટરી એક્ટ ૧૯૪૮ હોય, એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ ૧૯૪૮ હોય, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ૧૯૫૨ હોય કે પેમેન્ટ ગ્રેજ્યુઇટી એક્ટ ૧૯૭૨ હોય, આ તમામ એક્ટ અંતર્ગત આ કામદારોને લાભ આપવામાં આવ્યો નથી મતલબ કે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૧ થી કામ કરવાવાળા લોકોને પેમેન્ટ સ્લીપ આપવામાં નથી આવતી, પીએફ આપવામાં નથી આવતું, મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતો, ઓવર ટાઈમના બે ગણા પૈસા આપવા નથી આવતા, આવી અનેક પ્રકારની જે સુવિધાઓ મળવી જોઈએ,પરંતુ કામદારોને આ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી. ત્યારે કંપની પાસે અમારી માંગણી છે કે જે પણ લોકોએ ત્રણ વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે, એ તમામ લોકોને કંપનીના કાયમી એમ્પ્લોય તરીકે લેવામાં આવે. તેમને ગ્રેજ્યુઈટી આપવામાં આવે, ઈન્ક્રીમેન્ટ આપવા આપવામાં આવે, આ અમારી પ્રમુખ માંગણીઓ છે.જો આ કંપની અમારી આ માંગણીઓ નહીં સ્વીકારે તો અનિશ્ચિતકાળ સુધી અમારો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આગળ ચાલુ રહેશે.







