– છાસવારે થતી લાખો રૂપિયાની ચોરીઓના ગુના વણઉકલ્યા રહેતા લોકોમાં રોષજનક ચિંતા
– દાયકાની મોટામાં મોટી ગણાય તેવી અછાલિયાની રૂપિયા ૨૫ લાખની ચોરીનો ભેદ વર્ષો વિતવા બાદ પણ વણઉકલ્યો !
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા ઘરફોડ ચોરીઓના બનાવોથી લોકોમાં ચિંતા ફેલાવા પામી છે.વિતેલા દાયકા દરમ્યાન તાલુકામાં અસંખ્ય ઘરફોડ ચોરીઓના બનાવો બન્યા છે.પરંતું મોટા ભાગના ચોરીઓના ગુનાઓ વણઉકલ્યા રહેતા તાલુકાની જનતા ચિંતિત બની છે.ચોરીઓની ઘટનાઓમાં વધારો કરતી ચોરીની ઘટના હાલ તા.૧ લીના રોજ ઉમલ્લા નજીકના રાયસીંગપુરા ગામે બનવા પામી છે.
ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ રાયસીંગપુરા ગામે રહેતા ગીતાબેન અશોકભાઇ વસાવા તા.૧ લીના રોજ સવારે નવ વાગ્યાના સમયે ઘરના દરવાજાને તાળું મારીને તેમના પતિ અશોકભાઈ સાથે શેરડી કાપવાની મજુરીએ ગયા હતા.આ લોકો બપોરના દોઢ વાગ્યાના સમયે ઘરે પાછા આવ્યા અને ઘરના દરવાજાનું તાળું ખોલીને ઘરમાં ગયા ત્યારે ઘરમાં તિજોરીના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા.તિજોરીમાં તપાસ કરતા તિજોરીના લોકરમાં રાખેલ સોનાની કડી જોડ ૧, ચાંદીનું મંગળસુત્ર નંગ ૧,ચાંદીના સાંકળા જોડ ૧ હતા નહિ,તેથી તિજોરીમાં રાખેલ રૂપિયા ૫૬૦૦૦ ની કિંમતના આ સોનાચાંદીના દાગીના કોઈ અજાણ્યા તસ્કર ઘરના પાછળના અડાળીના દરવાજાને ખોલીને ઘરમાં ઘુસીને ચોરી ગયા હોવાનું જણાયું હતું.ચોરીની ઘટના બાબતે ચોરીનો ભોગ બનનાર મકાનમાલિક ગીતાબેન અશોકભાઈ વસાવા રહે.નવી નગરી, ગામ રાયસીંગપુરા તા.ઝઘડિયા જી.ભરૂચનાએ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
ઉલ્લેખનીય છેકે વિતેલા દાયકા દરમ્યાન તાલુકામાં અસંખ્ય ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી.
દાયકાની સહુથી મોટી ગણાય તેવી ચોરીની ઘટના તાલુકાના અછાલિયા ગામે બની હતી.ચોરીની આ ઘટનામાં રૂપિયા ૨૫ લાખની મત્તા ગુમાવનાર ઘરના મોભીનું આઘાત લાગવાના કારણે મોત થયું હતું. જોકે વર્ષો વિતવા બાદ પણ અછાલિયા સહિતની અન્ય ચોરીઓના ગુનાઓ વણઉકલ્યા રહેતા ચોરીઓની ફરિયાદો હાલ તો ભુતકાળ બની ગઈ છે. અને વણઉકલ્યા રહેતા ગુનાઓને લઇને તસ્કરોને મોકળુ મેદાન મળી જતું હોઈ તેમની ચોરી કરવાની હિંમતમાં વધારો થતો હોવાનું પણ સ્વાભાવિક ગણાય!







