ભરૂચ,
ભરૂચના શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં એક નોંધપાત્ર પહેલ અંતર્ગત, શિક્ષણ જગત સાથે સંકળાયેલી એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી માહિતી જનસમક્ષ રજૂ કરવા માટે રૂંગટા વિદ્યાભવન દ્વારા ભવ્ય, સુસંયોજિત અને ગૌરવપૂર્ણ પ્રેસ વાર્તાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ વાર્તા માત્ર માહિતી આપવાનું માધ્યમ ન રહી, પરંતુ શિક્ષણ પ્રત્યે સંસ્થાની દુરદર્શી વિચારધારા અને પ્રતિબદ્ધતાનું સશક્ત પ્રતિબિંબ પણ બની હતી.સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રૂંગટા વિદ્યા ભવન, ભરૂચનું ૫૫ વર્ષોથી સ્થાપિત એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે.જેને શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ – ૨૭ થી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ની માન્યતા પ્રાપ્ત થઈ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ – ૨૭ થી અહીં પ્રી-પ્રાઈમરીથી ધોરણ ૯ સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે તથા આગામી ત્રણ વર્ષોમાં તેને હાયર સેકન્ડરી સ્તર સુધી કર્મોન્નત કરવામાં આવશે.આ પરિવર્તન ગુણવત્તાપૂર્ણ શિક્ષણની દિશામાં રૂંગટા વિદ્યા ભવન ની યાત્રાનું એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
રૂંગટા વિદ્યા ભવનની શિક્ષણ પદ્ધતિ બૌદ્ધિક ક્ષમતા, વૈજ્ઞાનિક દષ્ટિકોણ, કમ્પ્યુટર કુશળતા, સામાન્ય જાગૃતિ, જીવન કૌશલ્ય, નેતૃત્વ વિકાસ, પર્યાવરણીય સંવેદનશીલતા, શારીરિક તથા માનસિક આરોગ્ય, નૈતિક શિક્ષણ, નાણાકીય સાક્ષરતા, દેશભક્તિ તથા સૌંદર્યબોધ પર આધારિત છે. વિકસિત ભારતના દિવ્ય સ્વપ્નને સાકાર કરવા હેતુ શાળામાં ભવિષ્યમાં સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ, કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નેક્સ્ટ-જનરેશન ફ્યુચર લેબ્સ શરૂ કરવાની પણ યોજના છે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યના વિષયો અંગે વ્યવહારીક અનુભવ પ્રાપ્ત થઈ શકે.
આ અવસરે કાર્યક્રમની શરૂઆત દિવ્યજીતસિંહ ઝાલાના સ્વાગત સંબોધનથી થઈ, જેમાં તેમણે તમામ મીડિયા પ્રતિનિધિઓનું હાર્દિક અભિવાદન અને સ્વાગત કર્યું.ત્યાર બાદ શૈલજા સિંહે શાળાની શૈક્ષણિક દષ્ટિ તથા CBSE માન્યતા સંબંધિત સમગ્ર રૂપરેખાનું વિગતવાર વર્ણન રજૂ કર્યું.
શાળાના કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલે શાળાએ અત્યાર સુધી કરેલા શૈક્ષણિક નવીન પ્રયાસો, ભવિષ્યની યોજનાઓ તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવેલા અસરકારક પગલાં અને પહેલોની માહિતી આપી. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ – ૨૭ માટે પ્રી-પ્રાઈમરીથી ધોરણ ૯ સુધીની CBSE પાઠ્યક્રમમાં નામમાત્રની ફી સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ૧૦૦ ટકા સુધીની સ્કોલરશીપ પણ પ્રદાન કરવામાં આવશે એવી માહિતી આપી.
ભરૂચના હૃદયસ્થાને સ્થિત રૂંગટા વિદ્યા ભવનનું લક્ષ્ય આત્મવિશ્વાસી, સક્ષમ અને જવાબદાર ભાવિ નેતૃત્વ અને જાગૃત નાગરિકનું નિર્માણ કરવાનું છે ભવિષ્યનું શિક્ષણ અહીંથી જ શરૂ થાય છે.







