અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન મુદ્દે ચાલી રહેલી બે દિવસીય વાતચીતમાં બંને દેશોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમેરિકા અને ચીને બંનેએ એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કરવા સહમતિ દર્શાવી છે. બંનેએ 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
ચીને મંત્રણાઓ વચ્ચે અમેરિકાની પ્રોડક્ટ્સ પર લાગુ રેસિપ્રોકલ ટેરિફ 125 ટકાથી ઘટાડી 10 ટકા કર્યો છે. જ્યારે અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ 145 ટકાથી ઘટાડી 30 ટકા કરવા સહમતિ દર્શાવી છે. આ સમજૂતી પ્રારંભિક ધોરણે 90 દિવસ સુધી લાગુ રહેશે.
ચીનના વાઈસ પ્રીમિયર હી લિફેંગ અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, બંને દેશોએ આ નિર્ણય પર સહમતિ દર્શાવી છે. તેમજ આર્થિક અને વેપાર સંબંધો મુદ્દે ચર્ચાઓ જારી રહેશે. બંને દેશો ચીન અને અમેરિકામાં વૈક્લપિક ધોરણે ચર્ચાઓ કરી શકે છે. જેમાં જો જરૂર પડે તો આર્થિક અને વેપાર મુદ્દાઓ સંબંધિત ભલામણોને ધ્યાનમાં લઈ શકે છે.
ટ્રમ્પના ટેરિફથી શરૂ થયો હતો ટ્રેડવૉર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશો અમેરિકા સાથે અન્યાય કરી રહ્યા હોવાના દાવા સાથે ચીન સહિત વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જેમાં ચીન પર સૌથી વધુ ટેરિફ લાદ્યો હતો. ચીને પણ આ ટેરિફનો સામો જવાબ આપતાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદ્યો હતો. બંને દેશો એક પછી એક એમ એકબીજા પર ટેરિફ વધારી રહ્યા હતા. ગત મહિને ટ્રમ્પે ચીનની પ્રોડ્કટ્સ પર 145 ટકા ટેરિફ લગાવ્યો હતો. જ્યારે ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાગુ કર્યો હતો. વિશ્વની બે ટોચની મહાસત્તા વચ્ચે શરૂ થયેલા ટ્રેડવૉરથી અર્થતંત્ર સંબંધિત ચિંતાઓ વધી હતી. જો કે, બંને દેશો વેપાર મંત્રણા માટે સહમત થતાં આશાનું કિરણ જોવા મળ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is