– કાર્યક્રમ દરમ્યાન ઝોન અધ્યક્ષ કન્વીનરો અને સહકન્વીનરોને નિમણૂંક સહ અભિનંદન પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા
– ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી
રાજકોટ,
હાલમાં શ્રી કાગવડ ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ૯ વર્ષ પુરા થતા આ પ્રસંગે ખોડલધામ સંગઠન કન્વીનર સ્નેહમિલન સમારોહ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમ દરમ્યાન સંગઠનના ઝોન અધ્યક્ષ, કન્વીનરો તેમજ સહ કન્વીનરોને નિમણૂંક સહ અભિનંદન પત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ અવસરે શ્રી ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલના નામની જાહેરાત કરતા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે અને હરિદ્વારમાં પણ સોમનાથ જેવું અતિથિ ભવન બનાવવામાં આવશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજરોજ તારીખ ૨૧ મી જાન્યુઆરીને બુધવારના રોજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ૯ વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ સંગઠન કન્વીનર મીટ-૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અને ટ્રસ્ટ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારોહમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ઝોન અધ્યક્ષ, જિલ્લા, તાલુકા, શહેર વોર્ડના કન્વીનરો તેમજ સહ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ચેરમેન નરેશભાઈ પટેલે શ્રી ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલના નામની જાહેરાત કરતા જણાવ્યું હતું કે શ્રી ખોડલધામના સંગઠનને લગતી જવાબદારી હવેથી અનારબેન પટેલ સંભાળશે.આ પ્રસંગે અમદાવાદ ઝોનના નવા અધ્યક્ષ તરીકે પરસોત્તમભાઈ ગેવરીયા,કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.આ પ્રસંગે નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખોડલધામ એક વિચાર છે અને આ વિચાર હંમેશા ચાલતો રહેવાનો છે,શ્રી ખોડલધામ ટ્રસ્ટ હંમેશા છેવાડાના લોકો સુધી પહોંચીને તેને મદદરૂપ થાય છે.શ્રી ખોડલધામના સંગઠનમાં શ્રીમતિ અનારબેન પટેલ ખૂબ જ વિઝન સાથે આગળ વધી રહ્યા છે.એમ જણાવી નરેશભાઈ પટેલે આ અવસરે ખુશી વ્યક્ત કરી હતી.સમગ્ર ગુજરાતમાં સંગઠન મજબૂત બને તે માટે શ્રી ખોડલધામ સંગઠનની મુખ્ય સમિતિના અનારબેન પટેલ,જશુમતીબેન કોરાટ,જેનીબેન ઠુંમર,ગોપાલભાઈ રૂપાપરા, મનોજભાઈ સાકરીયા અને હસમુખભાઈ લુણાગરીયા સતત પ્રવાસ કરીને જહેમત ઉઠાવી રહ્યા છે, એમ જણાવી તેમને અભિનંદન આપ્યા હતા.શ્રી ખોડલધામ મંદિર પરિસરની વ્યવસ્થા અને સ્વચ્છતા જોઈને અનેક લોકો વખાણ કરે છે તેનો સમગ્ર શ્રેય સંગઠનને જાય છે,અને આ સંગઠન જાળવી રાખવું એ સૌની અને ખાસ કરીને યુવાનોની જવાબદારી છે એમ વધુમાં તેમણે જણાવ્યું હતું. હાલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પાટણના સંડેર ખાતે શ્રી ખોડલધામ મંદિર સંકુલનું કામ ચાલી રહ્યું છે.ઉપરાંત અમદાવાદ અને સુરત ખાતે પણ શ્રી ખોડલધામ મંદિર સંકુલ બનશે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અતિથિ ભવન બનાવવામાં આવશે એમ વધુમાં જણાવાયું હતું.શ્રદ્ધાળુઓની રહેવાની સુવિધા માટે શ્રી ખોડલધામ મંદિર- કાગવડ ખાતે અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે.ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા હરિદ્વારમાં પણ અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. કાર્યક્રમમાં જેનીબેન ઠુંમરની ટ્રસ્ટ્રી તરીકે નિયુક્તિ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનારબેન પટેલે જણાવ્યું હતું કે મને સંગઠનના અધ્યક્ષ તરીકેની આટલી મોટી જવાબદારી આપીને નરેશભાઈ પટેલે જે વિશ્વાસ મારામાં મૂક્યો છે તે વિશ્વાસને હું ડગવા નહીં દઉં, નરેશભાઈ પટેલે શ્રી ખોડલધામના સંગઠન રૂપી પાયા રોપીને જે ઈમારત બનાવી છે તે ઈમારતની એક ઈંટ બનવાનો મને અવસર મળ્યો છે તેમ જણાવી તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા આઠ મહિના દરમ્યાન સમગ્ર ગુજરાતમાં સંગઠનની ટીમ સાથે દરેક જિલ્લા સુધી પહોંચીને નાનામોટા કાર્યકરો મળવાનો પ્રયત્ન કર્યો છે અને સૌની લાગણીઓને સમજી છે, તેમજ સંગઠનમાં આવનાર નવા લોકોને તૈયાર કરીને નવું ભવિષ્ય ઉભું કરવાના પ્રયત્નો આપણે સૌ કરીશું એમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે જ્યાં સમાજ હોય ત્યાં એકબીજાના તાંતણા જોડાતા હોય છે અને આપણે સૌ એક તાંતણે બંધાયેલા છીએ અને જે સમાજે આપણને નાનપણથી અત્યારસુધી ઘણુંબધું આપ્યું છે તે સમાજ માટે કામ કરવા મને આ હોદ્દો મળ્યો છે.સંગઠનમાં આપણને જે કોઈ હોદ્દો મળ્યો છે તે હોદ્દાની રૂએ આપણે નિયમોમાં રહીને આ હોદ્દાને નિભાવીશું તો જ આપણે સમાજને કંઈક પાછું આપી શકીશું.ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે ખોડલધામ થકી આપણે સૌ ભક્તિ દ્વારા એકતાની શક્તિથી જોડાયેલા છીએ,જ્યાં માની ભક્તિ હોય ત્યાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ, હંમેશા હૃદય ચોખ્ખું હોવું જોઈએ.આ પ્રસંગે જેનીબેન ઠુંમરે પોતાના સંબોધનમાં શ્રી ખોડલધામ સંગઠન માળખા વિશે વિગતે ચર્ચા કરી હતી.કાર્યક્રમમાં હસમુખભાઈ લુણાગરીયાએ પણ સંગઠન અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડયું હતું.આ કન્વીનર મીટ કાર્યક્રમમાં તમામ કન્વીનરો,સહ કન્વીનરોને નિમણૂંક સહ અભિનંદન પત્ર અને ઓળખપત્ર આપીને આગામી બે વર્ષ માટે સંગઠનમાં નિમણૂંક કરવામાં આવી હતી. આ સમારોહમાં ગુજરાતભર માંથી સંગઠનના હોદ્દેદારો ઉપરાંત લેઉવા પટેલ સમાજ ન્યૂજર્સીના પ્રમુખ વીરજીભાઈ પાઘડાળ અને લંડનમાં શ્રી ખોડલધામ સંગઠનની જવાબદારી સંભાળતા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન મયુરભાઈ મુંગરા (જામનગર જિલ્લા કન્વીનર) દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને અંતે દિપકભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત સહુનો આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ કાવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.




