– ફુલહાર અને આતશબાજી કરી ભરૂચમાં આવતા ભવ્ય સ્વાગત કર્યું
– ઝાડેશ્વર સાંઈ મંદિરથી બાઈક રેલી યોજી આત્મીય હોલ ખાતે અભિવાદન સમારોહ સાથે પરિચય બેઠક યોજાઈ
ભરૂચ,
ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ તથા સાંસદ ડૉ.હેમાંગ જોષીએ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત ભરૂચ જિલ્લાના પ્રવાસે આવતાં ભાજપ આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ શહેરમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જે બાદ આત્મીય હોલ ખાતે અભિવાદન સમારોહ અને પરિચય બેઠક યોજાઈ હતી.
વડોદરાના સાંસદ અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા બાદ ડૉ.હેમાંગ જોષી ભરૂચ જીલ્લામાં પ્રથમ વખત આવતા ઝાડેશ્વર ગામ ખાતે આવેલ સાંઈ મંદિરથી ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર બાઈક રેલી કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જે બાઈક રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી ભાજપના ધ્વજ સાથે પસાર થતા રાજકીય માહોલ છવાયો હતો.આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા અને બાઈક રેલી બાદમાં કોલેજ રોડ ખાતે આવેલ આત્મીય ભવન ખાતે પહોંચી હતી જ્યાં અભિવાદન સમારોહ તેમજ આગેવાનો અને કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમ્યાન નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડૉ.હેમાંગ જોષીનું ફૂલહાર અને શાલ ઓઢાવી સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તેમણે યુવા કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી અને આવનારા સમયમાં ભાજપની વિચારધારાને યુવાનો સુધી પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ઈશાન સોની,યુવા મોરચાના ભરૂચ જીલ્લાના પ્રભારી કૌશલ ભટ્ટ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા મહામંત્રી નિરલ પટેલ અને ફતેહસિંહ ગોહિલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ,જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




