– દાઝેલા ચારેય કર્મચારીઓને ભરૂચમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા
ભરૂચ,
વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી આલ્કેમી ફાઈનકેમ પ્રા.લિ કંપનીમાં મધ્ય રાત્રે ગંભીર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો.જેમાં બોઈલર વિભાગમાં રિપેરીંગ કામગીરી દરમ્યાન ચાર મિકેનિકલ કર્મચારીઓ ઉપર ગરમ એસ પડવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા.જેમને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લાની વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં પ્લોટ નંબર ૩૦૧ થી ૪૩૦ માં આલ્કેમી ફાઈનકેમ નામની કંપની આવેલી છે.ગતરોજ ૨૩ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ કંપનીમાં બટરફ્લાઈ વાલ્વ તથા વાઈબ્રેટરના બોલ્ટ ઢીલા થઈ જતા ડિસલોકેટ થયાનું ધ્યાનમાં આવતાં મિકેનિકલ ટીમના નિરજન યાદવ, દિગ્વિજયસિંહ રાણા,અમિત સિંઘ અને રાહિલ મોહમ્મદ સૈયદ ત્યાં રિપેરિંગની કામગીરી માટે ગયા હતા.રિપેરીંગ કામગીરી દરમ્યાન અચાનક બટરફ્લાઈ વાલ્વ તેના સ્થાનમાંથી છૂટું અથવા નીકળી જતા સાયલોમાં સંગ્રહિત ગરમ એસ ત્યાં કામ કરતા મિકેનિકલ ટીમ પર પડતા ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.જેથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી વધુ સારવાર અર્થે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.અકસ્માત મામલે વાગરા પોલીસે વિગતો મેળવી તપાસ હાથધરી છે.
તો ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો હોય ત્યારે અહીં હજારો કંપનીઓ કાર્યરત છે.ત્યારે રોજ નાના મોટા અકસ્માતો સર્જતા હોય છે.ત્યારે કંપનીઓમાં સલામતીના મુદ્દે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે.




