ભરૂચ,
આમોદ પંથકમાં પાવરગ્રીડ કંપનીએ માનસંગપુરામાં ખેડૂતને વળતર આપ્યા વગર ખેડૂતની માલિકીના ખેતરમાં હાઈ ટેન્શન ટાવરો નાંખવા માટે ખોદકામ શરૂ કરતા ખેડૂતના મહામૂલા ઊભા પાકને વ્યાપક નુકશાન કર્યું હતું.જે બાબતે પાવરગ્રીડ કંપનીના દમનકારી નીતિના સમાચાર મીડિયામાં પ્રસારિત થતા ગત રોજ સાંજના પાવરગ્રીડ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટના માણસો તેમનો સામાન લેવા માટે આવતા ખેડૂતો મોટી સંખ્યામાં માનસંગપુરા ગામે ખેતરમાં ભેગા થઈ ગયા હતા.અને કંપનીના અધિકારીઓનો ઘેરાવો કરી જાહેરમાં ઉધડો લીધો હતો.તેમજ કંપનીના અધિકારીઓને શાનમાં સમજાવી દીધું હતું કે ખેડૂતને વળતર ચૂકવ્યા વગર ખેતરમાં પગ મૂકવો નહીં.જેથી ખેડૂતોના ગુસ્સાને સમજી ગયેલા અધિકારીઓએ પોતાના સામાન ઉઠાવી ચાલતી પકડી હતી.




