– હુમલાખોર ઈસમ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલ હોઈ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી
ભરૂચ,
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર ગોવાલી ગામના અને રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાં નાવડી અને મશિનના ઉપયોગથી રેતી કાઢવાની પ્રવૃત્તિ કરતા દેવાંગ પાટણવાડીયા નામના ઈસમે હુમલો કરતા તે બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.દરમ્યાન આજરોજ પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડીયા પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.વધુમાં જણાવાયું હતું કે સદર ઈસમ દેવાંગ પાટણવાડીયા પર અગાઉ પણ ભુસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ મહિલા પર દુષ્કર્મના ગુનામાં સજા પણ થઇ હતી.
આવેદનપત્ર આપવામાં ઝઘડિયાના પત્રકારો સાથે ભરૂચ જિલ્લાના અન્ય પત્રકારો પણ જોડાયા હતા અને પત્રકાર પરના હુમલાનો વિરોધ કરી હુમલાખોર પર તાકીદે કડક પગલા ભરાય તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાણીપુરા ગામ નજીક પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરવાની ઘટના બની તે સમયે ઘટના સ્થળે કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા છતાં તેમની હાજરીમાં પણ એક રેતી માફિયાએ પત્રકાર પર હુમલો કર્યો તે બાબત પણ આશ્ચર્યજનક ગણાય ! પત્રકાર પર હુમલો કરનાર ઈસમ અગાઉ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ હોઈ આ વાત તેની ગુનાહિત માનસિકતા છતી કરે છે,છતાં સ્થાનિક પોલીસ દ્વારા આ લખાય છે ત્યાં સુધી આરોપીની ધરપકડ નથી થઈ શકી તે બાબતે પણ સવાલો ઉભા થયા છે.પત્રકારો દ્વારા ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક,ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઈન્સ્પેક્ટરને પણ આવેદનની નકલ આપીને તાકીદે આરોપીને ઝડપી લઈને તેના વિરૂધ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બેરોકટોક ખનિજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગજાહેર છે.તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટાપાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે,નદીમાં નાવડી મુકીને મશિન અને પાઈપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે.તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે,ત્યારે ઝઘડિયા તાલુકાના પત્રકાર દ્વારા રેત માફિયા વિરૂધ્ધ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવતા રેત માફિયા દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો.આ ઘટનાને ભરૂચ જિલ્લાના પત્રકારોએ વખોડી કાઢી હતી.




