નેત્રંગના કેલ્વીકુવા નજીક અજાણ્યા હાઈવા ટ્રકની અડફેટે મોટરસાયકલ ચાલક યુવકનું મોત પાછળ બેઠેલ યુવતીને ઈજા

SHARE:

– પાંચસીમ ગામે લગ્નની જાનમાં જતા કાંટીપાડા ગામના યુવાન દંપતિને રસ્તામાં અકસ્માત નડ્યો

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં  છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ બનતા હોવાથી તાલુકાના લોકો ચિંતિત બન્યા છે.બેફામ દોડતા વાહનોથી અકસ્માતો થતા હોવાની વાતો જગજાહેર છે.ત્યારે આવા વાહનોના ચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.અન્ય એક અકસ્માતમાં અજાણ્યા હાઈવા ટ્રકના ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક યુવકનું મોત થયું હતું જ્યારે પાછળ બેઠેલ યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી. 

મળતી વિગતો મુજબ મુળ ઝરીયા ગામના યુવક શિવમ જીતેન્દ્રભાઈ વસાવાના લગ્ન નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામની યુવતી સાથે થયેલ હોઈ શિવમ કાંટીપાડા સાસરીના ગામે રહેતો હતો.તા.૨૯ મીના રોજ ગામમાં એક લગ્ન પ્રસંગ હોઈ પાંચસીમ ગામે જાન જવાની હોવાથી શિવમ તેની પત્ની રિમ્પલબેન સાથે મોટરસાયકલ પર પાંચસીમ ગામે જવા નીકળ્યો હતો.આ લોકો કેલ્વીકુવા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન એક અજાણ્યા હાઈવા ટ્રકના ચાલકે તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા બન્ને મોટરસાયકલ સહિત નીચે પટકાયા હતા.શિવમના પગ પર ટ્રકનું વ્હિલ ચડી ગયેલ હોઈ તે ગંભીર રીતે જખ્મી થયો હતો તેમજ રિમ્પલને પણ ઈજાઓ થઈ હતી.ઈજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસીને શિવમને મરણ પામેલ જાહેર કર્યો હતો.અકસ્માત સંદર્ભે મૃતકના સસરા પ્રકાશ ડાહ્યાભાઈ વસાવા રહે.ગામ કાંટીપાડાનાએ અકસ્માત કરી પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાશી ગયેલ હાઈવા ટ્રકના ચાલક વિરુધ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!