ભરૂચમાં NSUI ની ડ્રગ્સ મુક્ત કોલેજ કેમ્પસ રેલી યોજાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા કાર્યકરોના કપડા ફાટ્યા

SHARE:

– બેનર,પ્લેકાર્ડ અને ઝંડા અને સૂત્રોચાર સાથે આગેવાનો અને કાર્યકરો જોડાયા : ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ડ્રગ્સ વિરોધી સંકલ્પ લેવડાવ્યા

ભરૂચ,

ગુજરાત પ્રદેશ NSUI દ્વારા “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન અંતર્ગત ભરૂચમાં આજે વિરોધ રેલી યોજાતા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.રેલી કલેક્ટર કચેરી પહોંચે તે પહેલા જ પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.

ગુજરાત પ્રદેશ NSUI દ્વારા “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન અંતર્ગત ભરૂચમાં આજે વિરોધ રેલીનું આયોજન કરવામાં આવતા પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી,પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રનીલ રાજ્યગુરુ,ભરૂચ જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,કોંગી આગેવાન શેરખાન પઠાણ,શકીલ અકુજી,યુથ કોંગ્રેસના વિપુલ વસાવા,NSUI ના જીલ્લા પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ,શહેર કોંગ્રેસ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોએ રેલ્વે સ્ટેશન સ્થિત આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ડ્રગ્સ વિરોધી સંકલ્પ લેવામાં આવ્યો હતો અને રેલીની શરૂઆત કરવામાં આવી હતી.હાથમાં બેનર અને પ્લેકાર્ડ સાથે વિવિધ સૂત્રોચ્ચાર કરી રેલી રેલ્વે સ્ટેશનથી કલેક્ટર કચેરી ખાતે જવા નીકળતા મુખ્યમાર્ગ પરથી પસાર થતી વેળા રોટરી કલબ નજીક પોલીસે પરવાનગી ન હોવાના કારણે અધવચ્ચેથી અટકાવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી.આ દરમ્યાન NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.રેલી અટકાવતી વખતે પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવતાં કેટલાક NSUI કાર્યકરોના કપડા ફાટ્યા હોવાની ઘટના પણ સામે આવતા આક્રોશ જોવા મળ્યો હતો.તો પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા મામલો થાળે પાડ્યો હતો.NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર રાજ્ય માંથી ડ્રગ્સ, દારૂ અને ગાંજાના વધતા દુષણને દૂર કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.રાજ્યના યુવાધનને નશાની લતમાંથી બચાવવા માટે સરકાર કડક પગલાં લે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

રેલી દરમ્યાન ડ્રગ્સ નાબૂદી અંગેના શપથ લેવાયા હતા અને રાજ્યને નશામુક્ત બનાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!