ભરૂચ,
ભરૂચ શહેરના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર કેમાંતૂર કંપની પાસે બે ટુ વ્હીલર વાહન ચાલકો આમને સામને અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક્ટિવા રોડ તરફ પટકાતા પાછળ આવી રહેલા વાહન તેમના પર ચઢી જતા ઘટના સ્થળ પર જ એક નું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવ્યો હતો.તો પોલીસે અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરમાં વલ્લભ ટ્રેડિંગ નામનું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા પીનેશ દલાલ તેમના પ્રેસમાં કામ કરતા પ્રતીક મણિલાલ મકવાણા સાથે એક્ટિવા લઈને માલ આપવા માટે નેશનલ હાઈવે 48 પરથી વડદલા તરફ જઈ રહ્યા હતા.આ સમયે નર્મદા કેમાંતૂર કંપની પાસે સામેથી રોંગ સાઈડ પર આવતા એક અન્ય મોટર સાયકલ વાળા વ્યક્તિ સાથે બંને વાહનોની આમને સામને ટક્કર થઈ હતી.જેમાં પ્રતીક મકવાણા એક્ટિવા પરથી હાઈવે તરફ પટકાયો હતો તે સમયે ભરૂચથી વડોદરા હાઈવે તરફ પસાર થઈ રહેલા ટેન્કર નંબર જીજે ૦૬ ટીટી ૮૦૩૦ નાં તોતિંગ પૈડા તેના ઉપર ફરી વળવા ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે પીનેશ દલાલને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જોકે અકસ્માત સર્જાયા અન્ય બાઈક સવાર ઘટના સ્થળેથી વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.અકસ્મા સર્જાતા જ લોકોના મોટી સંખ્યામાં ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઘટનાની જાણ સી ડિવીઝન પોલીસને કરવામાં આવતા સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથધરી હતી.




