– રમઝાન માસને લઈ વેપારીઓએ માનવીય અભિગમ અપનાવવા ખાસ અપીલ કરી
(સંજય પટેલ,જંબુસર)
જંબુસર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશ આજે સતત આઠમા દિવસે પણ જારી રહી હતી.એસ.ટી ડેપોથી નગીના મસ્જિદ સુધીના માર્ગ પર તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.
આજરોજ નગરપાલિકાની ટીમ દ્વારા એહલે હદીસ મસ્જિદથી નગીના મસ્જિદ સુધીના માર્ગ પરના કાચા-પાકા દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયક, દબાણ શાખાની ટીમ તેમજ સીટી સર્વે કચેરીના શિરસ્તેદાર ગૌરાંગભાઈ શાહ અને મેન્ટેનન્સ સર્વેયર સુસ્મિતાબેન સહિતનો કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો.સર્વેની ટીમ સાથે રહીને માર્ગ પરના નડતરરૂપ દબાણો દૂર કરાયા હતા.
રમઝાન માસને ધ્યાને રાખી વેપારીઓની રજૂઆત કરી હતી કે એક તરફ પાલિકાની કડક કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ નગરના અગ્રણી સઈદભાઈ મલેક દ્વારા તંત્રને માનવીય અભિગમ અપનાવવા અપીલ કરવામાં આવી હતી.તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પવિત્ર રમઝાન માસ આવી રહ્યો છે. તહેવારોના સમયે જો આ રીતે દબાણ દૂર કરવામાં આવશે તો નાના-મોટા વેપારીઓના ધંધા-રોજગાર પર ખૂબ મોટી આર્થિક અસર પડશે. તેથી, નગરપાલિકા તંત્રને વિનંતી છે કે રમઝાન માસ પૂર્ણ થયા બાદ આ ઝુંબેશ ફરી શરૂ કરવામાં આવે.”
પાલિકાની આ સતત કામગીરીને કારણે એસ.ટી. ડેપોથી નગીના મસ્જિદ સુધીનો મુખ્ય માર્ગ હવે મોકળો દેખાઈ રહ્યો છે.જોકે, વેપારીઓની રજૂઆત બાદ તંત્ર આગામી દિવસોમાં કામગીરી ચાલુ રાખશે કે વિરામ આપશે તે જોવું રહ્યું.




