– આરોપીએ ૨૨ નકલી બેંક એકાઉન્ટ ખોલ્યા હતા
ભરૂચ,
ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે ઈ-કોમર્સ ફ્રોડના કેસમાં રાજકોટના અરજણ ઉર્ફે અજય વિઠ્ઠલભાઈ આસોદરીયાની ધરપકડ કરી છે. આરોપી સામે રૂ.૩૬.૫૯ લાખની છેતરપિંડીનો આરોપ છે.
ભરૂચના શક્તિનાથ વિસ્તારના મેહુલ કનુભાઈ પ્રજાપતિએ ૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ એક મેટ્રોમોનીયલ વેબસાઈટ પર ફેક પ્રોફાઈલ સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ‘COSTCOP STORE’ નામની ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓછા રોકાણે વધુ નફાનું આકર્ષણ આપવામાં આવ્યું હતું.
શરૂઆતમાં નફો મળતા ફરિયાદીનો વિશ્વાસ કેળવાયો હતો.ત્યાર બાદ વિવિધ UPI લિંક દ્વારા કુલ રૂ.૩૭.૦૯ લાખ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.અંતે વધુ રકમ ભરવાનું દબાણ કરી તેમનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું.
તપાસમાં યુકો બેંકના બે એકાઉન્ટમાં રૂ.૮.૦૫ લાખ જમા થયાની માહિતી મળી હતી.આ એકાઉન્ટ ધારક અજય આસોદરીયાની ધરપકડ કરવામાં આવી છે.આરોપી અગાઉથી અનેક સાયબર ફ્રોડના કેસમાં સંડોવાયેલો છે.રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ તે વોન્ટેડ છે.
આરોપીએ તેના સાગરિતો સાથે મળી ૨૨ નકલી બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા.લોકોના દસ્તાવેજો અને સિમકાર્ડનો ઉપયોગ કરી આ ફ્રોડ આચર્યો હતો.દરેક એકાઉન્ટ માટે રૂ.૧૧,૦૦૦ કમિશન લેવામાં આવતું હતું અને રૂ.૧૦,૦૦૦ લોન પેટે આપવામાં આવતા હતા.પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.સાયબર ક્રાઈમ વિભાગે નાગરિકોને લોભામણી વેબસાઈટો અને શંકાસ્પદ સંપર્કોથી સાવધ રહેવા અપીલ કરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is