– ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને ૮૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ મળ્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
યુનિવર્સિટી એથ્લેટિક્સ મીટ–૨૦૨૬ માં રાજપીપલાની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપલાએ કોલેજનું અને નર્મદાનું ગૌરવ વધારેલ છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આયોજિત યુનિવર્સિટી એથ્લેટિક્સ મીટ-૨૦૨૬ માં શાનદાર પ્રદર્શન કરી કોલેજના બે વિદ્યાર્થીઓએ પોતાની અવિરત મહેનત, અડગ આત્મવિશ્વાસ અને અદમ્ય ખેલપ્રતિભાના બળે કોલેજનું નામ યુનિવર્સિટી કક્ષાએ નામ રોશન કર્યું છે.
કોલેજના પ્રતિભાશાળી ખેલાડી અતુલ વસાવા અને સુદામ વસાવાએ વિવિધ દોડ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરી બે-બે મેડલ મેળવી કૉલેજને ગૌરવ અપાવ્યું છે.અતુલ વસાવાએ પોતાની ઝડપ, શિસ્ત અને રણનીતિક દોડકલા દ્વારા ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.જ્યારે ૮૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતી પોતાની સતત મહેનત અને પ્રતિબદ્ધતાનો પરિચય આપ્યો હતો. બીજી તરફ, સહનશક્તિ અને ધૈર્યનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા સુદામ વસાવાએ ૧૦,૦૦૦ મીટર લાંબી દોડમાં સિલ્વર મેડલ તથા ૫૦૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્તકરતાં આ સિદ્ધિના સન્માનરૂપે કોલેજના સ્પોર્ટ્સ ડેના શુભ પ્રસંગે કોલેજના પ્રાચાર્ય ડૉ.શૈલેન્દ્રસિંહ માંગરોલા, જીમખના કમિટીના ચેરમેન ડૉ. રાહુલ ઠક્કર તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા બંને વિદ્યાર્થીઓનું હર્ષભેર અભિવાદન કરવામાં આવ્યું હતું.નિશ્ચિત રીતે, અતુલ વસાવા અને સુદામ વસાવાની આ ઐતિહાસિક સફળતા આવનારી પેઢીના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને રાજપીપલાની એમ.આર.આર્ટ્સ એન્ડ સાઈન્સ કોલેજ રમતક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરતી રહેશે.એમ પ્રાચાર્ય ડૉ.શૈલેન્દ્રસિંહ માંગરોલાએ જણાવ્યું હતું.




