સ્પાના હિસાબની અદાવતમાં જિગરી દોસ્ત મુન્તઝીર જલાદ બની મિત્ર કૃણાલ પટેલને ગળું ટૂંપી લાશ કોથળામાં પેક કરી નાળામાં ફેંકી!

SHARE:

ભરૂચ,
વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.ભાગીદારીમાં ચાલતા સ્પાના હિસાબને લઈને થયેલા વિવાદે અંતે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યામાં રૂપ લઈ લીધું હોવાનો મામલો સામે આવ્યો છે.મિત્રતા અને ભાગીદારીના સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં એક યુવકની ક્રૂર રીતે હત્યા કરી તેની લાશને કોથળામાં ભરી અવાવરુ જગ્યાએ ફેંકી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે.પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) અને ૨૩૮ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસ મુજબ મૃતક કૃણાલ ચંદુ પટેલ અને આરોપી મુન્તઝીર પટેલ (રહે.વોરાસમની ગામ, તા. વાગરા) બંને મિત્રો હતા અને મળીને SAWASDEE SPA ચલાવતા હતા.છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સ્પાના હિસાબના પૈસાને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો.આ અદાવતના કારણે ગત ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આરોપીએ કૃણાલ પટેલને ફોન કરી સ્પા વેચવાના બહાને પાર્ટી પાસેથી રૂપિયા લેવા જવાનું કહી વિશ્વાસમાં લીધા હતા.આરોપી કૃણાલ પટેલને પોતાની ગાડીમાં બેસાડી કોઈ અવાવરુ સ્થળે લઈ ગયો હતો.જ્યાં નાયલોનની દોરી વડે ગળું દબાવી તેમની હત્યા કરી નાખી હતી.હત્યા બાદ પુરાવા નાશ કરવા આરોપીએ મૃતકના હાથ-પગ બાંધી લાશને પ્લાસ્ટિકની મીણીયા થેલીમાં ભરી રહાડ ગામથી વચ્છનાદ ગામ તરફ જવાના રસ્તા પર આવેલા નાળા નીચે ફેંકી દીધી હતી.જેથી કોઈને જાણ ન થાય.બીજી તરફ કૃણાલ પોતાના ઘરે પરત ન ફરતા અને મોબાઈલ બંધ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.આ દરમ્યાન વાગરા પોલીસને બિનવારસી લાશ મળી આવ્યાની માહિતી મળતા પરિવાર ત્યાં પહોંચ્યો હતો.મૃતદેહની ઓળખ કૃણાલ પટેલ તરીકે થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.પોલીસને લાશના ગળાના ભાગે ટૂંપો આપ્યાના નિશાન પણ મળ્યા હતા.વાગરા પોલીસ સ્ટેશનના પી.આઈ.એચ.બી.ગોહિલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.
મૃતકના ભાઈ પ્રતીક પટેલે જણાવ્યું હતું કે કૃણાલ પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા અને તેમના અવસાનથી આખું પરિવાર તૂટી પડ્યું છે.તેમણે આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તબીબોની વિશેષ પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.જેથી હત્યાના કારણો અને સમય અંગે વૈજ્ઞાનિક પુરાવા મળી શકે.આ સમગ્ર ઘટનામાં સ્થાનિક સ્તરે તાત્કાલિક સુવિધાઓના અભાવ વચ્ચે વિલાયત સ્થિત કલરટેક્સ કંપની દ્વારા માનવીય અભિગમ દાખવાયો હતો.ઘટના સ્થળેથી મૃતદેહને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા તેમજ પોસ્ટમોર્ટમ બાદ વાગરાથી ભરૂચ સુધી લઈ જવા માટે કંપનીની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ ઘટનાએ વાગરા પંથકમાં સરકારી એમ્બ્યુલન્સ અને શબવાહિની જેવી પાયાની સુવિધાઓની વર્ષોથી ચાલી આવતી ખોટને ફરી એકવાર ઉજાગર કરી છે.એક તરફ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે,ત્યારે બીજી તરફ પોલીસ તપાસને વેગ આપી પુરાવાઓ એકત્ર કરી રહી છે,જેથી આરોપી સામે કાયદેસર કાર્યવાહી મજબૂત બનાવી પરિવારને વહેલી તકે ન્યાય અપાવી શકાય.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!