ભરૂચ,
વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા એક યુવકના મોતની માહિતી સામે આવી છે.વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. બનાવ અંગે મળતી વિગતો અનુસાર જંબુસર તાલુકાના ડોલીયા ગામના રહેવાસી પિયુષકુમાર ગંભીરભાઈ મકવાણા ઉંમર વર્ષ ૪૩ જેઓ ગત રોજ બપોરના સમયે વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં પાર્કિંગમાં પોતાની ગાડીની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.ઘટનાની જાણ થતા જ કંપનીના ફાયરમેન અને સિક્યુરિટી ગાર્ડ તાત્કાલિક તેમને કંપનીના પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ ગયા હતા.વધુ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.આ મામલે રઘુસિંહ ભગવાનસિંહ મકવાણાએ વાગરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.વાગરા પોલીસ આ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથધરી છે.




