– ટ્રક માલિકે ઓવરલોડ જથ્થો ન ભરવાનું કહેવા છતાં ઓવરલોડ જથ્થો ભરતા ટ્રક પલટી મારી જતા રૂપિયા ૧૪ લાખ જેટલું નુકશાન
– ઓવરલોડ જથ્થો ભરેલ હોઈ વીમા કંપનીએ ક્લેઇમ રીજેક્ટ કરતા બે પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો
(જ્યશીલ પટેલ, ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સિલિકા પ્લાન્ટો અવારનવાર વિવાદમાં આવતા હોય છે,ત્યારે હાલ એક ટ્રક માલિક દ્વારા સિલિકા પ્લાન્ટના સંચાલકો અને ટ્રક ડ્રાઈવર વિરૂધ્ધ ઓવરલોડ જથ્થો ભરવાના મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના વિરાર ખાતે રહેતા સંજય વલ્લભ પ્રજાપતિએ ગત તા.૨૨ મી જાન્યુઆરીના રોજ તેમની ટ્રક ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ રાધારમણ સિલિકા પ્લાન્ટ ખાતે સિલિકા ભરવા મોકલી હતી.ત્યાર બાદ સિલિકા પ્લાન્ટમાંથી સિલિકા ભરીને બીજી જગ્યાએ નાંખવાનો હોઈ સિલિકા પ્લાન્ટ સંચાલકે ફોન દ્વારા જણાવતા સંજય પ્રજાપતિએ ફેરો મારવાની હા પાડી હતી પણ ઓવરલોડ જથ્થો ન ભરવા જણાવ્યું હતું.જેથી સિલિકા પ્લાન્ટ સંચાલકે પણ ઓવરલોડ જથ્થો ન ભરવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ ટ્રક ડ્રાઈવરે ઓવરલોડ જથ્થો ન ભરવાનું કહેવા છતાં સિલિકા પ્લાન્ટ સંચાલકો દ્વારા ટ્રકમાં ઓવરલોડ જથ્થો ભરવામાં આવતા ટ્રકનો હાઈડ્રોલિક જેક તુટી જતા ટ્રક પલટી મારી ગઈ હતી.આ ઘટનામાં ટ્રકને અંદાજે રૂપિયા ૧૪ લાખ જેટલું નુકશાન થયું હતું. ટ્રકમાં ઓવરલોડ જથ્થો ભરેલ હોવાના કારણે ટ્રક પલટી મારી ગઈ હોવાને કારણે વિમા કંપનીએ નુકશાનીનો ક્લેઈમ રીજેક્ટ કરી દીધો હતો.ટ્રક માલિક સંજય પ્રજાપતિએ રાધારમણ સિલિકા પ્લાન્ટના માલિક બટુકભાઇ અને જયેશભાઇને મળીને વિમા કંપનીએ ક્લેઇમ રીજેક્ટ કરી દીધો હોવાથી ટ્રકને થયેલ નુકશાન પેઠે અડધી રકમની માંગણી કરી હતી.આ બાબતે વિવાદ થતા જયેશ પ્રજાપતિ અને બટુકભાઈએ સંજયભાઈને ગાળો બોલવા લાગ્યા હતા,અને કહેલ કે આ અમારી ઓફિસ છે.વધારે કરીશ તો જેસીબીથી ખાડો ખોદીને દાટી દઈશ,તારી લાસ પણ મળવા નહિ દઉં, તું ઝઘડિયામાં કેવો ધંધો કરે છે તે જોઈ લઈશ એમ ધમકી આપી હતી.આ સંદર્ભે ટ્રક માલિક સંજય વલ્લભ પ્રજાપતિએ રાધારમણ સિલિકા પ્લાન્ટના માલિક બટુકભાઈ તથા જયેશભાઈ અને તેમના ભાણેજ જૈનીશભાઈ(જેમના પુરા નામ જાણવા મળેલ નથી) તેમજ ટ્રક ડ્રાઈવર સુરેશકુમાર વિરૂધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.




