ભરૂચ,
ભરૂચ શહેરની ઓળખ ગણાતા પાંચબત્તી સર્કલનું પી પી સાવાણી યુનિવર્સિટીના સહયોગથી અંદાજે 32 લાખથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા સર્કલનું લોકાર્પણ રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરની આગવી ઓળખસમા પાંચબત્તી સર્કલનું નવનિર્માણ કરવામાં આવતા પાંચ ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે.સાથે સાથે વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો અને ભરૂચ શહેરની ટૂંક માહિતી દર્શાવતી તક્તિઓ મૂકવામાં આવી છે.જેથી નાગરિકો તથા પ્રવાસીઓને શહેરના ઈતિહાસ અને મહત્ત્વથી માહિતગાર કરી શકાય.
ભરૂચના ઈતિહાસની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલાં લાઈટની સગવડ ન હોવાથી અહીં પાંચ ફાનસ લગાવવામાં આવ્યા હતા.એ સમયથી આ સ્થળ “પંચબત્તી”તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ “પાંચબત્તી” તરીકે પ્રસિદ્ધ થયું હતું.હવે ભરૂચ નગરપાલિકા અને પીપી સવાણી ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું અંદાજે 32 લાખના ખર્ચે નવીનીકરણ કરીને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે.સર્કલમાં ચંદ્રયાન,વિદ્યાર્થીઓ માટે પ્રતીકરૂપ પેન્સિલ જેવી કલાત્મક આકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.
શહેરની સુંદરતામાં વધારો કરતા આ સર્કલના લોકાર્પણ સાથે ભવિષ્યની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી.આવનારા સમયમાં શહેરના અન્ય સર્કલો પર દેશના મહાપુરુષોની પ્રતિમાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે, તેમજ સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગને “આઇકોનિક રોડ” તરીકે વિકસાવવાની યોજના પણ હાથ ધરાશે, જે ભરૂચ શહેરને નવી ઓળખ આપશે.
આ લોકાર્પણ પ્રસંગે શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ,ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પી પી સાવાણી યુનિવર્સિટીના વલ્લભ સવાણી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




