જયશીલ પટેલ,ઝઘડિયા,
અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ સરદાર પટેલ વાડી ખાતે પોગ્રેસ એલાયન્સ અંકલેશ્વર અને સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વંદન-૨૦૨૬ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમે સૌના દિલ જીતી લીધા હતા.ગુજરાતના ઔદ્યોગિક નકશામાં આગવું સ્થાન ધરાવતું અંકલેશ્વર હવે સંસ્કાર અને પરિવાર મૂલ્યો માટે પણ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે.
આ કાર્યક્રમમાં માતૃ-પિતૃ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ ખુબજ ભાવવાહી હતો.જેમાં પુત્રો દ્વારા તેમના માતાપિતાની પૂજા તેમજ ઋણ સ્વીકારનો કાર્યક્રમ હતો.સમગ્ર કાર્યક્રમ ખુબજ ભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મંચ પૂરું પાડતો આ કાર્યક્રમ માત્ર એક સામાજિક આયોજન નહીં,પરંતુ સંસ્કાર આધારિત સશક્ત પહેલ તરીકે સામે આવ્યો હતો.યુવા પેઢીએ જાહેર મંચ પર પોતાના માતા-પિતાને નમન કરી આશીર્વાદ મેળવતા સર્જાયેલી ક્ષણોએ સમગ્ર કાર્યક્રમને ભાવવિભોર અને ઐતિહાસિક બનાવી દીધો. પોગ્રેસ એલાઈન્સ પ્રગતિ સાથે સંસ્કારના સંકલનનો દૃઢ અભિગમ અપનાવી રહ્યું છે,જ્યારે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ વર્ષોથી સમાજમાં એકતા, સેવા અને સંસ્કારનું પોષણ કરતું આવ્યું છે.બંને સંસ્થાના સંકલ્પ અને સુમેળથી “વંદન” ને રાજ્ય સ્તરની ઓળખ પ્રાપ્ત થઈ છે.પોગ્રેસ એલાયન્સ ના મેમ્બર દેવેન સાવલીયા એ જણાવ્યું: “અંકલેશ્વર માત્ર ઉદ્યોગ માટે નહીં, પરંતુ સંસ્કાર માટે પણ ઓળખાય એ જ અમારું વિઝન છે. ‘વંદન’ એક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજને મૂળ સાથે જોડતી એક સશક્ત પહેલ છે.” આ પહેલ કોઈ રાજકીય કે ધાર્મિક એજન્ડા પર આધારિત નથી, પરંતુ તેની સામાજિક અસર વ્યાપક અને દીર્ઘકાલીન રહી છે. “વંદન – ૨૦૨૬” એ રાજ્યના અન્ય શહેરો માટે પણ એક પ્રેરણાદાયી મોડેલ પૂરું પાડ્યું છે.
અંકલેશ્વરે ફરી સાબિત કર્યું છે કે ઔદ્યોગિક પ્રગતિ સાથે સંસ્કારનું સંરક્ષણ શક્ય છે અને આ જ શહેરના ગૌરવની નવી ઓળખ બની રહી છે.




