જંબુસરના વાવલી ગામનો ૨૨ વર્ષીય યુવાન માર્ગ અકસ્માતમાં કાળનો કોળિયો બન્યો

SHARE:

(સંજય પટેલ, જંબુસર)

હાલ લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે, ત્યારે આનંદના આ પ્રસંગોમાં બેદરકારી કે કિસ્મતની ક્રૂરતા હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લે છે.આવી જ એક હૃદયદ્રાવક ઘટના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વાવલી ગામમાં બની છે,જ્યાં મોટા ભાઈના લગ્નની તૈયારીઓ વચ્ચે જ નાના ભાઈનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે.

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના વાવલી ગામનો ૨૨ વર્ષીય યુવાન દેવાંશુ સુરેશભાઈ ઠાકોર જેના મોટા ભાઈના લગ્ન હોવાથી ઘરમાં ખુશીનો માહોલ હતો.લગ્ન પ્રસંગની છેલ્લી ઘડીની તૈયારીઓ માટે દેવાંશુ બાઈક પર જંબુસર ખાતે ફૂલહાર અને દહીં લેવા માટે નીકળ્યો હતો.

બરોડા હાઈવે પર પસાર થતી વખતે આઇસર ટેમ્પો એ તેમની બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં દેવાંશુને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ મામલે જંબુસર પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

લગ્નસરાના ઉત્સાહમાં વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે.તમારી એક મિનિટની ઉતાવળ કે બેદરકારી આખા પરિવારને ક્યારેય ન ભુલાય તેવું દુઃખ આપી શકે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!