નકલી પોલીસ બની લોકો પાસે રૂપિયા વસૂલતા તત્ત્વો સામે ભરૂચ પોલીસની કાર્યવાહી : ગુનાહિત ઈતિહાસ ધરાવતા ચારની અટકાયત

SHARE:

– રહાડપોર નજીક સીઝરે નકલી પોલીસની ઓળખ આપી ધમકાવતા એકનું હાર્ટ એટેક થી મોત થયું હતું

ભરૂચ,

ભરૂચ શહેરમાં નકલી પોલીસ બની લોકો પાસે રૂપિયા વસૂલતા તત્વો સામે એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.આરોપીઓએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી એક વ્યક્તિને ધમકાવતા તેને હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી છે.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વીશ બીપીન મોદી તા.20 ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા.તે દરમ્યાન રહાડપોર રોડ પર કેટલાક શખ્સોએ તેમને આંતરી પોતે સીઝરો હોવા છતાંય પોલીસ હોવાનું જણાવી ‘વાહનમાં નંબર પ્લેટ નથી’ કહી રૂપિયા ક્યારે આપશેની ધમકાવવાનું શરૂ કર્યું હતું.

નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વીશ મોદી ગભરાઈ જતા તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા.તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિને ધમકી આપવાના કારણે તેમનું મોત થયું છે.ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.સર્વેલન્સ ટીમે સચોટ કામગીરી કરી યોગેશ સંતોષભાઈ બેલેરાવ,સંજુ રામધ્યાનભાઈ વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવા (તમામ રહે.ભરૂચ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ચોંકાવનારી બાબત એ છે કે જે આરોપીઓ અન્ય વાહનચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા.તેમની જ ગાડીઓમાં નંબર પ્લેટ ન હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું છે.પોલીસે આરોપીઓના બંને વાહનો કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે.પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!